ભરૂચના પાંચબત્તિ નજીક આવેલા પાનમ પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે માર્ગની સાઈડમાં પાર્ક કરેલાં વાહનોની પોલીસે હવા કાઢવા સાથે વાલ્વ ફેકી દીધાં હતા. જેથી વેપારીઓએ એ- ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હલ્લાબોલ કર્યું હતું. પાનમ પ્લાઝાના 100થી વધારે વેપારીઓએ પોલીસ કાર્યવાહીના વિરોધમાં મંગળવારે સવારે 11 વાગ્યે તમામ વાહનો પાલિકા કચેરીના પટાંગણમાં પાર્ક કરવાની જાહેરાત કરી હતી.
જે પૂર્વે સફાળી જાગેલી નગરપાલિકાના પ્રમુખ સહિત સીટી એન્જિનિયર અને કર્મચારીઓનો કાફલો ખુદ પાનમ પ્લાઝા પહોંચી ગયો હતો અને વેપારીઓની સમસ્યાની જાત મુલાકાત લઇ તેઓને બે દિવસમાં યોગ્ય નિરાકરણ લાવી આપવાની ખાતરી પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. માર્ગ પર આડેધડ પાર્ક કરી દેવામાં આવતાં વાહનોને ટો કરી તેમના માલિકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. સોમવારના રોજ એ ડીવીઝન પોલીસે ટ્રાફિક ડ્રાઇવના ભાગરૂપે પાનમ પ્લાઝા પાસે પાર્ક કરેલા વાહનોની હવા કાઢી વાલ્વ પણ ફેકી દીધાં હતાં. જેથી વાહનોને નુકસાન પહોચાડ્યું હોવાના આક્ષેપો વેપારીઓએ કર્યા હતા. આ અંગે રેલી સ્વરૂપે તમામ વેપારીઓ એ-ડીવીઝન પોલીસ મથક ખાતે પહોચી ઉગ્ર રજૂઆત કરી હતી. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.