છેલ્લા 3 વર્ષથી ભરૂચ એસ.ટી. ડેપોનું સંચાલન ભોલાવ ડેપો પરથી થાય છે. જોકે, હાલ ગંદકી, કાદવ કીચડ વચ્ચે મુસાફરો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ડેપોમાં પરબ છે પણ પાણી આવતું નથી. ટોયલેટ છે પણ તેને તાળા મરાયેલા છે. બસો પણ અનિયમિત હોવાના આક્ષેપ સાથે આજે ભરૂચ જિલ્લા એન.એસ.યુ.આઈ.એ વિદ્યાર્થીઓ અને મુસાફરોને સાથે રાખી ભોલાવ ડેપો ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભરૂચ સિટી બસ સ્ટોપ છેલ્લા ત્રણ વર્ષથી બની રહ્યો છે. જેથી ભરૂચ ડેપો ભોલાવ ખાતે ખસેડવામાં આવ્યો છે. જેને પણ સેટેલાઈટ ડેપો બનાવવામાં આવનાર છે. ત્યારે ભોલાવ ડેપોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. ડેપોના પરબમાં પાણી આવતું નથી. ટોયલેટને તાળા લગાવેલા છે. તેમજ જ્યા જુવો ત્યા કાદવ કિચડની ભરમાર વચ્ચે બસોની અનિયમિતતા જોવા મળી રહી છે. જેને લઈ વિદ્યાર્થીઓ અને મુસાફરોના હિતમાં ભોલાવ ડેપો ખાતે NSUIએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ પ્રાથમિક સુવિધા સવલતો આપી સ્વચ્છતા પ્રત્યે ધ્યાન આપવા રજૂઆત કરાઈ છે.
ડેપો ઉપર મુસાફરો અને વિદ્યાર્થીઓના હિતમાં પ્રાથમિક સુવિધા સવલતો આપી સ્વચ્છતા પ્રત્યે ધ્યાન આપવા રજૂઆત કરાઈ છે. જો બસો નિયમિત નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી પ્રમુખ યોગી પટેલે આપી છે.