
જંબુસરની તાલુકા આરોગ્ય કચેરીમાં સિનિયર કારકૂન તરીકે નિવૃત્ત થયેલાં અને રામસિંહ ખુમાનસિંહ સિંધાના મોબાઇલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ આવ્યો હતો. જે ખોલી જોતાં તેમાં ગ્રામિણક્ષેત્રે એચપી ગેસ એજન્સી મેળવવા માટેનું ફોર્મ હોવાનું માલુમ પડ્યું હતું. જેમાં તેમને એજન્સી મળવાની હોઇ તેમણે તેમના પુત્ર સંજયસિંહ તેમજ તેની પત્ની યોગિતાના નામે અજન્સી લેવા માટે સોશિયલ મિડિયામાં જ રજિસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ મોકલ્યાં હતાં.
દરમિયાનમાં અરેન્દ્ર તિવારી નામના એક શખ્સે તેમને ગ્રામિણક્ષેત્ર એચપી ગેસ એજન્સીના અધિકારી તરીકેની ઓળખ આપી ફોન કર્યો હતો.તેણે ડોક્યુમેન્ટ જમા થયાં હોઇ હવે રજિસ્ટ્રેશન, એનઓસી, લાયસન્સ ફી, સિક્યુરિટી ડિપોઝિટ, ગેસ સિલિન્ડર બુકિંગ સહિતના બહાને તેમની પાસેથી કુલ 7.18 લાખ રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવડાવ્યાં હતાં.
બાદમાં અરેન્દ્ર તિવારીએ વધુ 3 લાખ રૂપિયા જમા કરાવા કહેતાં આખરે તેમને તેમની સાથે ઠગાઇ થઇ હોવાનો અનુભવ થતાં બીજા રૂપિયા જમા ન કરી ઘટનાને પગલે વેડચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ઠગાઇ કરનારા અરેન્દ્ર તિવારીના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.