
ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં ગાદલા બનાવતી કર્લ-ઓન એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં વહેલી સવારે ૭ વાગે આગે દેખા દેતા કંપની સંકુલ સહિત આસપાસના વિસ્તારમાં કામદારોની દોડધામ મચી જવા પામી હતી.
કંપનીના પ્લાન્ટમાંથી ધુમાડાના ગોટા ગોટા દુર દુરથી નીકળતા નજરે પડ્યા હતા.કંપનીમાં સ્પંચ મટીરીયલ્સના ગાદલા બનતા જેના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીના કામદારોમાં ભયનો માહોલ છવાયો હતો.જોકે કામદારો સુરક્ષિત બહાર દોડીજતા તમામનો બચાવ થયો હતો અને આગ લાગવાની આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ પર કાબુ મેળવવા ઝઘડિયા જીઆઇડીસી ઉપરાંત અન્ય સ્થળોથી ૧૫થી વધુ અગ્નિશામક બંબા બોલાવાયા હતા. કંપનીમાં લાગેલ આ ઘટનામાં હજુસુધી કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
આગની આ ઘટનામાં કંપનીને મોટું નુકસાન થયું હોવાનું મનાય રહ્યુ છે. કંપનીમાં લાગેલ આગને લઇને નીકળતા ધુમાડાના ગોટા દૂરદૂર સુધી દેખાતા હતા. ઘટના સ્થળે પહોંચેલા અગ્નિશામક દળોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા. જીઆઇડીસીની આ કંપનીમાં આગ લાગવાનું કારણ હજુ અંકબંધ રહ્યુ છે, જોકે કંપનીમાં કામ કરતા કામદારોને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા. મળતી વિગતો અનુસાર ઝઘડીયા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
જાણવા મળ્યા મુજબ આગની ઘટનાની તપાસ માટે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ જીપીસીબીની ટિમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલતો ગાદલા બનાવતી આ કંપનીને મોટું નુકશાન પહોંચવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. મોટી માત્રામાં કાચુ મટીરીયલ પણ બળીને રાખ થઇ ગયું હોવાનું પણ સામે આવ્યું હતું. વિકરાળ આગને કારણે ગાદલા બનાવવામાં વપરાતા સ્પંચ બળવાને લઇને ખુબ મોટા પાયે વાયુ પ્રદુષણ થતું હોવાની ચર્ચાઓ પણ જોવા મળી હતી.આ કંપનીમાં કેટલાક સ્થળોએ શેડ બનાવવામાં આવ્યા હતા, જે શેડમાં પીવીસીના પતરા લગાવવામાં આવ્યા હતા જેને લઇને આગ પર કાબુ લેવાનું વિકટ બન્યુ હતુ. ઝઘડિયા જીઆઇડીસીમાં વારંવાર થતી દુર્ઘટનાઓને પગલે જીઆઇડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે સવાલો ઉભા થવા પામ્યાછે.
- ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી