
ભરૂચ નગરપાલિકા દ્વારા 2019-20માં તેમના એસેટ્સના બીલ ભરવા માટે આપેલાં ચેકમાંથી પાલિકાના લીસ્ટ સિવાયના અન્ય ગ્રાહકોના બીલ ભરી દેવાયાં હતાં.
ભરૂચ નગરપાલિકાના વિવિધ એસેટ્સના વીજબીલ આવતાં પાલિકા દ્વારા તમામ એસેટના લિસ્ટ સાથે તેમના ભરણાની રકમના હિસાબ સાથેનો ચેક વીજ કંપનીના પાંચબત્તી શહેર વિભાગીય કચેરીમાં જમા કરાવતાં હોય છે. દરમિયાનમાં વર્ષ 2019-20માં પણ પાલિકા દ્વારા વીજબીલના ભરણાં માટે અપાયેલા ચેકના નાણાંના હિસાબમાં ગડબડ જણાઇ હતી.
નગરપાલિકાએ ચુકવેલાં રૂપિયા પૈકીના 60 હજારથી વધુ રૂપિયા અન્ય ગ્રાહકમાં ભરાયાં હોવાનું માલુમ પડતાં પાલિકાએ ભરૂચ કાર્યપાલક ઇજનેર ભરૂચ શહેર વિભાગીય કચેરીમાં મામલામાં ફરિયાદ કરી હતી. જેમાં તપાસ કરતાં વીજ કંપનીમાં કામ કરતાં સ્નેહલકુમાર રાણા, અનિલ વસાવા, અનિલાબેન લિમ્બાચીયા તેેમજ પ્રફુલ પાંચોટીયા નામના ચાર કર્મીઓની પ્રાથમિક સંડોવણી બહાર આવતાં ચારેયને વીજકંપનીના જિલ્લા સુપ્રિટેન્ડન્ટ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.