
- ઓમાનમાંથી રમી અમેરિકા સામે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ફટકારી પહેલી સદી
નાનપણથી જ ક્રિકેટર થવાનું સ્વપ્ન અંકલેશ્વરના કશ્યપ પ્રજપતિએ સેવ્યું હતું. આ યુવાનને સવારે 9 થી સાંજે 5 કલાકની નોકરીમાં કોઈ રસ ન હતો. ગુજરાત અંડર 19 અને 23 માં તેને સ્ટેટ લેવલે પણ પોતાની પ્રતિભા બતાવી હતી. જોકે પ્લેટફોર્મ નહિ મળતા અને કારકિર્દી આગળ ધપતિ નહિ દેખાતા કશ્યપ ઓમાન જતો રહ્યો હતો.
આજે ઓમાનની ક્રિકેટ ટીમનો અંકલેશ્વરનો કશ્યપ સ્ટાર બેટ્સમેન બની ગયો છે. હાલમાં જ આઈ.સી.સી.ની લીગ બે સિરીઝમાં કશ્યપએ અમેરિકાની ટીમ સામે 115 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 103 રન ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પેહલી સદી નોંધાવી છે.
ઓમાને કશ્યપના 103 રનની મદદથી 4 વિકેટે 280 રન 50 ઓવરમાં નોંધાવ્યા હતા. જેની સામે યુ.એસ.એ. ની ટીમ 9 વિકેટે 267 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઓમાન કશ્યપને તેનો મિત્ર લઈ ગયો હતો. આજે તે અંકલેશ્વર ઘરે પરત આવતા માતા-પિતા અને પરિવાર ખુશીથી ગદગદિત થઈ ગયો હતો. પિતા હરિશભાઈએ ગર્વ સાથે કહ્યું હતું કે, આજે મને લોકો કશ્યપના પિતા તરીકે ઓળખે છે. જેનાથી મારી ખુશીનો પાર રહેતો નથી. આગામી સમયમાં કશ્યપની ઈચ્છા ઇન્ડિયા સામે ઇન્ટરનેશનલ મેચ ઓમાનની ટીમ વતી રમવાની છે.