
શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા અધ્યક્ષસ્થાને ભરૂચમાં ઝાડેશ્વર પ્રાથમિક શાળા અને નવા તવરા પ્રાથમિક શાળા તથા જૂના તવરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ શરૂ કરાયો હતો.કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટય તથા પ્રાર્થના થકી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શિક્ષણમાં અનેક પરિવર્તનો લાવ્યા હતાં. જે અંતર્ગત આજના આ કાર્યક્રમ થકી બાળકોને શિક્ષણમાં પ્રવેશ કરાવીને તથા તેઓ અધવચ્ચેથી શિક્ષણ છોડીને ન જાય તે માટે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડીને શિક્ષણનું સ્તર ઊંચુ લાવવાનું છે. આવા કાર્યક્રમ થકી ગુજરાતમાં બાળકોનું નામાંકન ૯૯ ટકા જેટલું તથા ડ્રોપ આઉટ રેશિયો ૯૩ ટકા જેટલો થયો છે, તે જ આ કાર્યક્રમની સફળતા દર્શાવે છે.
આ ઉપરાંત મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સશકત ભારતનું નિર્માણ કરવું હોય તો દરેક બાળક શિક્ષિત હોય તે જરૂરી છે. મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ મુજબ તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોઈપણ બાળક સ્કૂલના શિક્ષણથી વંચિત ન રહે અને ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય બને તથા રાજ્યનું દરેક બાળક તંદુરસ્ત રહે તે દિશામાં રાજ્ય સરકાર સતત કાર્યરત છે, તેમ તેમણે જણાવ્યું હતું.આવા કાર્યક્રમો થકી સ્કૂલમાં બાળકોના પ્રવેશ માટે પ્રવેશોત્સવ બની જીવનભર યાદગાર બની રહે તેવી નેમ વ્યકત કરી હતી.
મંત્રીએ આંગણવાડી તથા ધોરણ ૧માં પ્રવેશપાત્ર ભૂલકાઓને શૈક્ષણિક કીટ વિતરણ કરીને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.આ પ્રસંગે ઝાડેશ્વરની આંગણવાડીમાં ૧૨ બાળકો તથા પ્રાથમિક શાળામાં ૨૮ બાળકો પ્રવેશપાત્ર બન્યા હતા. નવા તવરા આંગણવાડીમાં ૧૮ બાળકો તથા પ્રાથમિક શાળામાં ૨૦ બાળકો પ્રવેશપાત્ર બન્યા હતા. જૂના તવરા આંગણવાડીમાં ૧૭ બાળકો તથા પ્રાથમિક શાળામાં ૪૧ બાળકો પ્રવેશપાત્ર બન્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર,ગામના સંરપંચ,શાળાના એસ એમ સી કમીટીના સભ્યો, ,શાળાના શિક્ષણ ગણ, શાળાના વિદ્યાર્થીઓ તથા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.