આમોદ તાલુકાના સરભાણ ગેરકાયદેસર માટી ચોરીના પ્રકરણમાં ગામના તત્કાલીન સરપંચ તથા ઉપસપંચ તેમજ સભ્યો સામે કાયદેસર કાર્યવાહી કરવા વિકાસ કમિશનરે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સરભાણ ગામે સર્વે નંબર ૮ ગામ તળાવ તથા સર્વે નંબર ૮૩૭ ગામ તલાવડીમાંથી ગેરકાયદેસર ૨,૪૦,૫૬૦ મેટ્રીક ટન સાદી માટીનું ખનન કરવામાં આવ્યું હતું.જે બાબતે ગામના જાગૃત નાગરિક બિપીન પટેલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતાં ખાણ ખનીજ વિભાગે ૨૩ મી મે ૨૦૨૨ ના રોજ ગામનાં તત્કાલીન સરપંચ તથા ઉપસપંચને માટી ખનન મામલે ૫.૯૩ કરોડની દંડકીય રકમ ભરવા નોટીસ મોકલી હતી.
જે બાબતે કોઈ કાર્યવાહી ના થતાં ગામના જાગૃત નાગરિક બિપિન પટેલે ગાંધીનગર ખાતે વિકાસ કમિશનરને ૧૦ મી જૂન ૨૦૨૨ ના રોજ રૂબરૂ મળી સરભાણ ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ તથા ઉપસરપંચ તેમજ સભ્યો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા અને ફોજદારી ગુનો નોંધવા અરજી કરી હતી.જેના અનુસંધાને ૧૭ મી જુનના રોજ વિકાસ કમિશનર ગાંધીનગરે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને સરભાણ ગામના તત્કાલીન સરપંચ તથા ઉપસરપંચ સામે કાયદેસર કાર્યવાહી કરવા જણાવતા આમોદ પંથકમાં ગેરકાયદેસર માટી ચોરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ