ભરૂચ જિલ્લામાં ચાલી રહેલાં એકસપ્રેસ વે સહિતના પ્રોજેકટમાં જમીન સંપાદન મામલે સ્થાનિક ખેડુતોમાં રોષ જોવા મળી રહયો છે. સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ખેડુતોને જંત્રીનો વધારે ભાવ અને ભરૂચમાં ઓછો અપાયો હોવાની ફરિયાદ સાથે ખેડુતોએ ગતરોજ કલેકટરને બીજું આવેદન આપવા સાથે જો ન્યાય નહીં મળે તો જળસમાધી અને ગાંધી ચીંધ્યામાર્ગે આંદોલનની ચીમકી આપી હતી.
ભરૂચ જિલ્લામાં અત્યારે વડોદરા– મુંબઇ એકસપ્રેસ હાઇવે, અમદાવાદ- મુંબઇ હાઇ સ્પીડ ટ્રેન, ભાડભુત બેરેજ તથા દીલ્હી– મુંબઇ ફ્રેટ કોરીડોરનો સમાવેશ થવા જાય છે. આ ચારેય પ્રોજેકટ માટે ખેડુતોની જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. ખેડુતો દેશના વિકાસ માટે પોતાની જમીનો આપવા માટે તૈયાર છે પણ જમીનના બદલામાં યોગ્ય વળતર મળતું નહિ હોવાથી તેમનામાં રોષ ફેલાયેલો છે. ખાસ કરીને એકસપ્રેસ વે તથા ભાડભુત બેરેજ યોજનામાં ખેડુતોમાં ભારે અસંતોષ છે.
ખેડુતોનું કહેવું છે કે, નવસારી, વલસાડ અને સુરત જિલ્લાની સરખામણીએ તેમને જમીનના ઓછા ભાવ આપવામાં આવી રહયાં છે. ભરૂચ જિલ્લાના ખેડુતોએ શનિવારે તંત્રવાહકોને આવેદનપત્ર આપી તેમની માગણીઓ સરકાર સુધી પહોંચાડી હતી. જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો જળસમાધી અને ગાંધી ચીંધ્યામાર્ગે આંદોલનની ચીમકી પણ ખેડુતોએ આપવા સાથે પ્રોજેકટનું કામ નહીં કરવા દેવાયનું જણાવ્યું છે.