જંબુસર તાલુકાના કારેલી ગામે ધરતીપુત્રો વરસાદી પાણી પર ખેતી નિર્ભર કરે છે અને નર્મદા નહેર આવી હોવા છતાં આજ સુધી નહેરના પાણીથી વંચિત ધરતીપુત્રોએ કંટાળી પ્રાંત અધિકારીને ઉદ્દેશીને મામલતદાર જંબુસર ને આવેદનપત્ર આપી નર્મદા નહેરના પાણી મેળવવા અરજ કરી હતી.
જંબુસર તાલુકાના કારેલી ગામ જ્યાં આશરે પાંચ હજાર એકર જમીન આવેલી છે. ત્યાંના ખેડૂતો અત્યારે વરસાદી પાણી પર નિર્ભર થઈ ખેતી કરે છે. કારેલી ગામે ૨૦૦૬ થી નર્મદા નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે.ત્યારથી આજદિન સુધી સમ ખાવા નું એક ટીપું ય નર્મદા નહેરનું પાણી આ નહેરમાં આવ્યું નથી. આ વિસ્તારના ધરતીપુત્રો નર્મદાના પાણીથી વંચિત છે આ પાણી નહીં મળવાથી ખેડૂતોને ચોમાસુ પાક શિયાળુ પાકમાં ખુબજ નુકશાન થાય છે. વરસાદી સિઝન પૂર્ણ થતા આ ખેતરોમાં પાણીના અભાવે ખેતરો સુકાવા માંડે છે. કારેલી ગામનો ખેડૂત વધુને વધુ પાયમાલ થતો જાય છે અને દેવાના ડુંગર તળે દબાવા લાગ્યો છે.
જેને લઇ પ્રાંત અધિકારીને ઉદ્દેશીને તમામ કારેલી ગામના ધરતીપુત્રો જંબુસર આવી પહોંચ્યા હતાઅને સરપંચ તુષારભાઈ ની આગેવાનીમાં મામલતદાર જંબુસરને આવેદનપત્ર આપ્યુ હતું.અને જણાવ્યુ હતુ કે નર્મદા નહેરનું નિર્માણ થયું છે તે એન્જિનિયરિંગ દૃષ્ટિએ તદ્દન ખોટું નિર્માણ થવાથી કરખડીથી કારેલી વાયા તિથોર થઈને જે નહેરનું પાણી આવે છે તે આવતા પ્રેશર ઘટી જાય છે.જેને લઇ કારેલીગામે બિલકુલ પાણી આવતુ નથી અને તમામ ખેડુતો સરકારી યોજનાથી વંચિત રહીએ છીએ.
છેલ્લા સોળ વર્ષથી પાણીની કાગ ડોળે રાહ જોઈ થાકી ગયા છે.આ પ્રશ્ને વારંવાર નર્મદા નિગમના અધિકારીઓને લેખિત મૌખિક રજુઆતો પણ કરવામાં આવી છે.પરંતુ આ નહેરના પાણીનો પ્રશ્નનો નિકાલ આવતો નથી. તો રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી ખેડુતોના આ પાણીનો સળગતો પ્રશ્ન ખેડુતોના હિતને ધ્યાને લઈ વહેલી તકે નિરાકરણ આવે તો આગામી સીઝનમાં નર્મદા નહેરનું પાણી મળે અને ખેડૂતોના તારણહાર બનવા અપીલ કરી હતી. આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં કારેલી ધરતીપુત્રો ઉમટી પડ્યાં હતાં.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર