ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ-૨ ઔદ્યોગિક વસાહત ખાતે રૂા.૮૮૧ કરોડના ખર્ચે ઔદ્યોગિક હેતુ માટે નવનિર્મિત દેશના સૌપ્રથમ ૧૦૦ એમ.એલ.ડી. ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બનાવવામાં રાજ્યના ઉદ્યોગોનો સિંહફાળો છે. ઉદ્યોગો રાજ્યની કરોડરજ્જુ સમાન છે, ત્યારે ઉદ્યોગકારોની સમસ્યાઓ-રજૂઆતોના નિરાકરણ માટે રાજ્ય સરકાર હરહંમેશ તત્પર છે.
મુખ્યમંત્રીના હસ્તે અંકલેશ્વર વસાહત ખાતે રૂ.૫.૪૪ કરોડના ખર્ચે નવનિર્મિત GIDCના અદ્યતન વહીવટી સંકુલનું લોકાર્પણ તેમજ નવી ઔદ્યોગિક નીતિ હેઠળ ૯૩ MSME એકમોને રૂ.૧૧ કરોડની સહાયના ચેકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કલેક્ટર તુષાર સુમેરાના વિઝન હેઠળ ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચને શ્રેષ્ઠ અને રહેવાલાયક બનાવવાના નવતર અભિયાન ‘માય લિવેબલ ભરૂચ’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, જેના લોગોનું તેમણે ઈ-અનાવરણ કર્યું હતું.
વડાપ્રધાન પાણીના વિવેકપૂર્ણ ઉપયોગના પ્રખર હિમાયતી છે એમ જણાવતાં મુખ્યમંત્રીએ મહામૂલા પાણીના યોગ્ય અને કરકસરપૂર્વક ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે જે રીતે કોરોનામાં માનવીને ઓક્સિજનની જરૂરિયાત સમજાઈ હતી, એ જ રીતે વર્તમાન સમયમાં પાણીના મહત્વ અને પાણીની કમીથી સર્જાઈ રહેલી વિકટ સ્થિતિને નજર સમક્ષ રાખી પાણીને પારસમણિ સમાન ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.
આ વેળાએ લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં રૂ.૨૧ લાખનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.આ તકે લઘુભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને તેમની ટીમ તેમજ દહેજ, સાયખા અને વિલાયત ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારોએ મુખ્યમંત્રીનું પોષણકીટ આપી અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, એલ.એન્ડ ટી.ના વાઈસ પ્રેસિડેન્ટ એસ.ગિરીધરન, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, જિલ્લા અગ્રણી મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, ડી.આઈ.જી., લઘુ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બલદેવભાઈ પ્રજાપતિ સહિત ઉદ્યોગકારો, GIDC અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.