હિન્દુ ધર્મગ્રંથો અનુસાર વડના વૃક્ષના મૂળમાં બ્રહ્મદેવ, વચ્ચે વિષ્ણુ અને અગ્રભાગમાં શિવનો વાસ હોય છે અને સંપૂર્ણ વૃક્ષમાં સાવિત્રી વાસ કરે છે, માટે આ વૃક્ષ પૂજનીય છે. હિન્દુ ધર્મ પંચાંગના જેઠ માસની અમાસે વટ સાવિત્રીનું વ્રત રાખવામાં આવે છે. આ વ્રતનું પાલન વિશેષરૂપે જેના લગ્ન થઇ ગયા હોય તેવી સ્ત્રીઓ કરે છે.ભરૂચ જિલ્લામાં પણ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થય માટે પરિણિત સ્ત્રીઓ દ્વારા વ્રત રાલ્હી વડની શ્રદ્ધા પૂર્વક પૂજા કરવામાં આવી હતી.
પૌરાણિક કથા અનુસાર આ જ દિવસે સતી સાવિત્રીએ પતિવ્રતના બળ પર પોતાના મૃત પતિ સત્યવાનના પ્રાણોને યમરાજ પાસેથી પરત મેળવ્યા હતા અને પતિને નવું જીવન બક્ષ્યું હતું. સાથે તેણે અખંડ સૌભાગ્યનું વરદાન પણ મેળવ્યું હતું. એટલા માટે આ તિથિ વટ સાવિત્રી અમાસના નામે પ્રસિદ્ધ છે. આ વ્રતના દિવસ વિશે પુરાણોમાં અલગ-અલગ મત જોવા મળે છે.
જ્યાં ભવિષ્ય પુરાણમાં આ વ્રત જેઠસુદ પૂનમના દિવસે જણાવવામાં આવ્યું છે, ત્યાં અન્ય ધર્મગ્રંથોમાં જેઠ માસની અમાસના દિવસે આ વ્રત કરવાનું વિધાન છે. આ વ્રત વિધવા, કન્યા, જેનો પુત્ર ન હોય તેવી સ્ત્રીઓ કરી શકે છે. કારણ કે સાવિત્રીએ પતિવ્રતાના રૂપમાં જ નહીં પણ એક આદર્શ સ્ત્રીનો ધર્મ પાળતા પાળતા અખંડ સૌભાગ્યવતી સાથે કુટુંબનું સુખ અને પુત્રવાન થવાનું વરદાન પણ યમરાજ પાસેથી મેળવ્યું હતું. શાસ્ત્રો મુજબ આ વ્રતનું પાલન ત્રણ દિવસ સુધી કરવામાં આવે છે. આ વ્રતના નિયમો જેઠસુદ તેરસથી શરૂ કરવામાં આવે છે જે ત્રણ દિવસ સુધી ચાલે છે.જો શક્તિ ન હોય તો પહેલા દિવસે એકવાર ભોજન કરીને, અંતિમ દિવસે ઉપવાસ કરી જેઠસુદ પ્રતિપ્રદાના દિવસે વ્રત પૂર્ણ કરવામાં આવે છે. અમાસ અને પૂનમ બંનેમાંથી જે દિવસે આ વ્રત કરવામાં આવે, આ રીતે ત્રણ દિવસ સુધી તેનું પાલન કરવું જોઇએ.