
ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં દુધધારા ડેરીની ૬૩ મી વાર્ષિક સાધારણ સભા સોમવારે સવારે મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલે ડેરીના મુંબઈ સ્થિત પ્લાન્ટમાં એક્ષપાન કરી નવો આધુનિક પ્લાન્ટ ઉભો કરવા રૂપિયા ૭૦ કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કરતા હવે મુંબઈવાસીઓ ભરૂચની દૂધધારા ડેરીનું દૂધ પીશે.
ભરૂચ નર્મદા જિલ્લાના પશુપાલકો માટે આધારસ્તંભ સમાન દુધધારા ડેરીની વાર્ષિક સાધારણ સભા ઝાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સી.આર.પાટીલે દુધધારા ડેરીના મુંબઇ ખાતે રૂપિયા ૭૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ડેરી પ્લાન્ટનું ખાત મુહૂર્ત કર્યું હતું. સાથે ભરૂચમાં રૂપિયા ૫ કરોડના ખર્ચે ઉભા થનાર ૧૦ મેટ્રિકટનની ઉત્પાદન ક્ષમતાના શ્રીખંડ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કર્યું હતું. ઉપરાંત દુધધારા ડેરીના રૂપિયા ૨ કરોડના ખર્ચે ઉભા થયેલ ૫૦૦ કિ. વો.ની સોલાર સિસ્ટમનું લોકાર્પણ કરી સી.આર.પાટીલે ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.
સાધારણ સભામાં વિધાનસભાના મુખ્ય નાયબ દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, પૂર્વ મંત્રી ખુમાનસિંહ , જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ સહિત ડેરીના ડિરેક્ટરો અને સહકારી આગેવાનોની હાજરીમાં હજારોની સંખ્યામાં ઉમટેલા સભાસદો સમક્ષ ડેરીની આવક જાવકના હિસાબો રજૂ કર્યા હતા.ચેરમેન ઘનશ્યામ પટેલે બન્નેવ જિલ્લાના ૬૨ હજાર સભાસદોને ૨૧ જુનથી દુધના ખરીદ ભાવ રૂપિયા ૭૨૫ થી વધારીને રૂપિયા ૭૩૫ કરવાની જાહેરાત કરી દૂધ ઉત્પાદકોને ભેટ ધરી હતી. સાથે જ ગત વર્ષના હિસાબમાં ભાવ ફેર પેટે રૂપિયા 35 કરોડ પૈકી ૧૭ કરોડ રોકડમાં અને બાકીના દાણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પેટે સહાય કરવામાં આવી હતી. ડેરીની તમામ મંડળીઓને ડીપ ફ્રીઝર અને બલ્ક મિલ્ક કુલિંગ યુનિટ આપવાની જાહેરાત કરતા સભાસદોમાં ખુશીની લાગણી છવાઈ હતી.