કપાસના મબલખ ઉત્પાદન માટે જાણીતા કાનમ પ્રદેશ ગણાતાં ભરૂચ જિલ્લામાં એગ્રીકલ્ચર વીજ લાઈનની સમસ્યાથી ખેડૂતો પરેશાન બન્યા છે.વીજ કંપનીના અધિકારીઓ ગેરમાર્ગે દોરી ખેડૂતોને હેરાન કરી રહ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.તેમજ લાઈટના અભાવે ખેડૂતોને લાખો રૂપિયાનું બિયારણ નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે.જેથી ખેડૂતોએ આજે વીજ કચેરી ઉપર હલ્લાબોલ કરી અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો.

આમોદ તાલુકાના નિણમ ફીડરનો એગ્રીકલ્ચર કેબલ બળી જતાં ખેડૂતોને પાણી વગર લાખો રૂપિયાનું બિયારણ નિષ્ફળ જવાની ભીતિ દર્શાવી હતી.છેલ્લા ૨૦ દિવસથી ખેડૂતો વીજ કંપની પાસે ખેતીની વીજ લાઇન ચાલુ કરવા માટે માંગ કરતા હતાં.પરંતુ દક્ષિણ ગુજરાત વીજ કંપની આમોદના અધિકારીઓ ખેડૂતોની માંગ સંતોષવાને બદલે ગોળ ગોળ જવાબો આપી ખેડૂતોને ગેરમાર્ગે દોરતાં હતાં.

ત્યારે આજે શ્રીકોઠી,નાહીયેર,રોંધ,આમોદ,તેગવા,નિણમ,સોનામાં,દાદાપોર,ચકલાદ ગામના ૧૦૦ થી વધુ ખેડૂતોએ ભેગા મળી વીજ કંપની સામે હલ્લો કર્યો હતો.ત્યાર બાદ આમોદ સબ સ્ટેશન પાસે પણ હલ્લો બોલાવી ખેડૂતોએ ભેગા મળી વીજ કંપનીના અધિકારીઓને સદબુદ્ધિ આવે માટે રામધૂન બોલાવી હતી.તેમજ જય જવાન જય કિસાન ના નારા લગાવ્યા હતાં.ખેડૂતોએ એગ્રીકલ્ચર વીજ લાઇન ચાલુ નહીં થાય ત્યાં સુધી વીજ કંપની પાસે જ રહેવાની મક્કમતા બતાવી વીજ કંપનીના અધિકારીઓનો ઘેરાવો કરતાં વાતાવરણ ઉગ્ર બની જવા પામ્યું હતું.ત્યારે શાનમાં સમજી ગયેલા વીજ અધિકારીઓએ ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈ યુદ્ધના ધોરણે કામગીરી આરંભી વીજ સપ્લાય આપવા તાબડતોડ કામે લાગી ગયા હતાં.

  • વિનોદ પરમર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here