
-કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખેસ પહેરાવી આવકાર આપ્યો
-ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા પણ રહ્યા ઉપસ્થિત
ભરૂચના પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસીયાની ફરી એકવાર ઘરવાપસી થઈ છે. ખુમાનસિંહ વાંસિયા ફરી એકવાર ભાજપમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યાલય ખાતે અધ્યક્ષ સી.આર.પાટિલે તેમણે ખેસ તેમજ ટોપી પહેરાવી પક્ષમાં પ્રવેશ કરાવ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભરૂચના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ગુજરાતના પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા ઘરવાપસી કરી છે અને ફરીએકવાર ભાજપમાં જોડાયા છે.આજરોજ બપોરે 12 કલાકે તેઓએ ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે કેસરીયો ધારણ કર્યો હતો.ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલએ તેમને ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા,આગેવાન ભારત ડાંગર, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ખુમાનસિંહ વાંસીયાએ જણાવ્યુ હતું કે તેઓએ જનસંઘના સમયથી ભાજપ સાથે જોડાયેલા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમનો પારિવારિક સંબંધ રહ્યો છે. તેઓએ મોદીજી સાથે સ્કૂટર પર બેસી વડોદરાથી વાપી સુધીનો પ્રવાસ ખેડતા હતા. વિધાનસભાની ચૂંટણી પૂર્વે પક્ષને મદદરૂપ થવાના આશય સાથે તેઓએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને આ બદલ તેઓએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.