
આમોદ નગરપાલિકાના ચાર સદસ્યોએ ગત રોજ આમોદ પાલિકાના પ્રમુખને સામુહિક રાજીનામુ આપી દીધા બાદ આજે વધુ એક મહિલા સદસ્યએ પણ રાજીનામુ આપી દેતાં આમોદ પાલિકામાં ભૂકંપ સર્જાયો હતો.અને ભાજપ લઘુમતીમાં આવી ગયો હતો જ્યારે અપક્ષની બહુમતી થઈ ગઈ હતી.
આમોદ પાલિકાના વોર્ડ નંબર ૩ માં અનુસુચિત જાતિ મહિલા અનામત બેઠક પરથી ચૂંટાયેલા સદસ્ય દક્ષાબેન દિનેશભાઇ પરમારે પણ આજ રોજ પોતાના વોર્ડમાં પ્રાથમિક જરૂરિયાતના વિકાસના કામો ના થતાં હોવાનો આક્ષેપ કરી પાલિકા પ્રમુખને સંબોધી પોતાનું રાજીનામુ આપી દીધું હતું.તેમજ પોતાના પછાત વોર્ડમાં આવેલી વિવિધ ગ્રાન્ટો પણ પ્રમુખ અને ઉપપ્રમુખના અણઘડ વહીવટને કારણે પરત જતી રહેતાં અમોને પ્રજા વચ્ચે નીચું જોવાનું થતાં રાજીનામુ આપવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકામા ૨૪ સભ્યોનુ સંખ્યાબળ છે.જેમા ભાજપના ૧૪ તથા ૧૦ અપક્ષ સદસ્યો હતા.તે પૈકી ભાજપના ૪ સદસ્યોએ ગત રોજ સાંજે પાલિકા પ્રમુખ મહેશભાઈ પટેલને સામુહિક રાજીનામા ધરી દીધા હતા.ત્યારે આજે વોર્ડ નંબર ૩ ના વધુ એક મહિલા સદસ્ય દક્ષાબેન પરમારે સભ્ય પદેથી રાજીનામુ આપી દેતાં હવે આમોદ નગરપાલિકામા ભાજપના ૯ તથા અપક્ષ ૧૦ સભ્યો રહયા છે.જેથી હવે ભાજપ પક્ષ લઘુમતીમાં આવી ગયો હતો અને અપક્ષનું સંખ્યાબળ શાસક ભાજપ પક્ષ કરતાં વધી ગયું હતું.
- ભાજપના મેન્ડેડ ઉપર ચૂંટાયેલા પાંચ સદસ્યોના રાજીનામાં.
વોર્ડ.નંબર ૩ માં રમેશભાઈ વાઘેલા તેમજ મહિલા સદસ્ય દક્ષાબેન પરમાર.
વોર્ડ નંબર ૪ માં રણછોડભાઈ રાઠોડ તેમજ મહિલા સદસ્ય કૈલાસબેન વસાવા
વોર્ડ નંબર ૬ માં કમેશભાઈ સોલંકી.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ