રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાના હેતુસર સ્વસહાય જુથો માટે બેન્ક લીંકેજ અન્વયે જિલ્લા કક્ષાના કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન ભરૂચના પંડિત ઓમકારનાથ હોલમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત બેન્ક લીંકેજ કેમ્પ દરમિયાન ૩૪૩ સખીમંડળોને રૂ.૩૭૨.૧૦ લાખની રકમની લોનનું ધિરાણના ચેકોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ સ્ટેજ પરથી ૧૬ જેટલાં લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લોન મંજુરીના ચેક એનાયત કરાયા હતા.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર ધ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે રાજ્ય સરકાર ગામડાના છેવાડાની મહિલાઓ સુધી પહોંચી તેમને આત્મનિર્ભર બનાવવાનના હેતુથી સરકાર દ્વારા અનેક યોજના ઘડી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા છે જેમાં સરકાર અને ભરૂચ જિલ્લાની બેંકોનો મોટો ફાળો રહયો છે. સખી મંડળને વટવૃક્ષ ગણાવી, મહિલાઓ દ્વારા લોનની વ્યાજ સહિત પરત કરવાની કામગીરીને બિરદાવી હતી. સાંસદએ બહેનોને શિક્ષણ પર ધ્યાન આપવા સાથે તેમણે સ્ત્રી શક્તિના અનેક દ્રષ્ટાંતો સાથે મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે બહેનો કેવી રીતે પગભર થાય તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે. હજારો બહેનો સખીમંડળ થકી પગભર થઈ રહી છે તેમ જણાવી શ્રી દુષ્યંતભાઈ પટેલે મહિલાઓને સમાજમાં સમકક્ષ ગણાવી, છેવાડાનાં વિસ્તારની મહિલાઓ કે જે નાના પાયાના ઉદ્યોગો સાથે સંકળાયેલા છે તેમને પગભર બનાવવાના અર્થે લોન ધિરાણની રાજ્ય સરકારની આ યોજનાકીય પ્રવૃતિને સરાહનીય ગણાવી હતી. જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ ભરૂચ જિલ્લામાં નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશનની કામગીરીની વિસ્તૃત વિગતો આપી ક્રેડિટ કેમ્પની સફળતા ઈચ્છી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા લાઈવલીહૂડ મિશનના ડીએલએમ પ્રવિણભાઈ વસાવા. અંકિતાબેન દવે, આગેવાન પદાધિકારીઓ, વિવિધ બેન્કોના અધિકારીઓ અને સખીમંડળ તથા સ્વસહાય જુથની બહેનો ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ બાદ સખીમંડળ ધ્વારા યોજિત પ્રદર્શનનું મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું હતું.