પાનોલીની જીઆઈડીસી પાસે અવાવરૂ જગ્યાએ કેમિકલ વેસ્ટ ઠાલવતા એક ટેન્કરને નોટીફાઇડ સિક્યોરિટીએ ઝડપી પાડયું હતું. જોકે, ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે અંકલેશ્વર જીપીસીબીને જાણ કરતા જીપીસીબીની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કેમિકલના નમુના લઇ તપાસ અર્થે મોકલી આપ્યા હતા.
અંકલેશ્વર વિસ્તારમાં કેમિકલ વેસ્ટનો નિકાલ આડેધડ કરવામાં આવતો હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ગતરોજ રાતે પાનોલી જીઆઈડીસીની ક્રિશી રસાયણ કંપની પાસે ખુલ્લી જગ્યા પર ટેન્કર નંબર-gj.06.x.5845 દ્વારા કેમિકલ વેસ્ટ ખાલી કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન પાનોલી નોટીફાઇડ એરિયા ઓર્થોરિટીની સિક્યોરિટીએ નાઈટ પેટ્રોલિંગમાં કેમિકલ ઠાલવતી વેળાએ ટેન્કરને રંગેહાથ ઝડપી પાડ્યું હતું.
ટેન્કરની આસપાસ કોઈ જણાયુ નહોતુ. નોટીફાઇડ વિભાગે આ અંગે અંકલેશ્વર જીપીસીબીને જાણ કરતા જીપીસીબીની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કેમિકલના નમુના લઇ તપાસ અર્થે મોકલી આપ્યા હતા. તેમજ કઈ કંપનીમાંથી આ કેમિકલ વેસ્ટ નીકળ્યુ હતું તે દીશામાં પણ તપાસ હાથ ધરી હતી.