
હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે નર્મદા ડેમમાં પાણી પુષ્કળ આવક થઈ છે. ત્યારે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા છે.
ઉપરવાસમાંથી 5 લાખ 30 હજાર 291 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલમાં નર્મદા ડેમની સપાટી 135.93 મીટર પર પહોંચી છે.નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 40 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમના 23 ગેટ 2.50 મીટર સુધી ખોલાયા છે. હાલ નર્મદા ડેમ 90 ટકા ભરાયો હતો. જેના કારણે નર્મદા નદીમાં 4 લાખ 46 હજાર 451 ક્યુસેક પાણી છોડાયું છે.
નર્મદા નદીમાં પાણી છોડાતા ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડવાની શક્યતા છે જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે.આગાહી અનુસાર 16 સપ્ટેમ્બર સુધી વરસાદની સિસ્ટમ સક્રિય રહેશે.