ભરૂચ લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સભા સાથે પ્રથમ ઉમેદવારી પત્ર ભરી ભાજપના 7મી ટર્મના ઉમેદવાર મનસુખ વસાવાએ ફરી જીતના પરચમનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભાજપના ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા આજે સોમવારે 12.30 કલાકે વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન કરવા રાજપીપળા નિવાસ સ્થાનેથી વહેલી સવારે નીકળ્યા હતા.
સવારે હરસિદ્ધિ માતાના દર્શન બાદ ગુમાનદેવ દાદાના આશીર્વાદ લઈ તેઓ ભરૂચ પોહચ્યા હતા. જ્યાં શક્તિનાથ મહાદેવના આશિષ લઈ પટાંગણમાં વિજય સંકલ્પ સભામાં જોડાયા હતા.સભામાં પૂર્વ કેન્દ્રીય દર્શનાબેન જરદોષ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, બે જિલ્લાના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ઘનશ્યામ પટેલ, ભરૂચના 5 ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ઇશ્વરસિંહ પટેલ, રીતેશ વસાવા, ડી.કે.સ્વામી, મહામંત્રી નિરલ પટેલ, ફતેસંગ ગોહિલ, વિનોદ પટેલ, જિલ્લા પંચાયત, પાલિકા, તાલુકા પંચાયત પ્રમુખો, અન્ય પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરોની વિશાળ હાજરીમાં ફરી એક વાર મોદી સરકાર સાથે ભરૂચ બેઠક પર ભગવો લહેરાવાનો વિજય વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.
હાર તોરા, ડી.જે., આદિવાસી લોક નૃત્ય, એક જ ચાલે મનસુખ વસાવા ચાલે ના નાદ ઉપર શક્તિનાથથી કલેકટર કચેરી સુધી પગપાળા રેલી કાઢી શક્તિપ્રદર્શન કરાયું હતું.
આજે ભાજપ તરફથી પહેલી ઉમેદવારી નોંધાવવામાં આવી છે. મનસુખ વસાવાની રેલી કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા બાદ કાર્યકરોએ પોલીસની કિલ્લેબંધીને ભેદીને કલેકટર કચેરીમાં દોટ મુકવા પ્રયાસ કર્યો હતો.કાર્યકરોને બહાર કાઢવામાં આગેવાનોને નવ નેજા પાણી આવી ગયાં હતાં. કલેકટરના જાહેરનામાનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.ઉમેદવારી પત્ર ભરવા માટે 12.39 મિનિટનો નક્કી કરાયેલા સમયે 41 ડીગ્રી તાપમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાને પોતાનું નામાંકન સુપરત કર્યું હતું.