પાવનસલિલા મા નર્મદાના તટે આવેલાં શુકલતીર્થ ગામમાં કારતકી પૂર્ણિમાના મેળાનો ગુરૂવારે કારતકી અગિયારસના દિનથી પ્રારંભ થયો હતો. મેળાના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓએ શુકલેશ્વર મહાદેવની આરાધના કરી હતી.
શુકલતીર્થ ગામમાં આવેલાં પૌરાણિક શુકલેશ્વર મહાદેવ મંદિર તથા ઓમકારેશ્વર વિષ્ણુ મંદિર ખાતે કારતકી પૂનમનો મેળો યોજાય છે. ગુરૂવારે કારતક સુદ અગિયારસના દિવસથી ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે ઓમકારેશ્વર વિષ્ણુભગવાનના મંદિરે પુંજન,અર્ચન દર્શનબાદ આગેવાનો સાથે રીબીન કાપીને મેળાનો પ્રારંભ કરાયો હતો.
પાંચ દિવસ સુધી ચાલનારા મેળામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવીને મહાદેવના દર્શન તેમજ નર્મદા સ્નાનનો લાભ લેતાં હોય છે.શુકલતીર્થ ગામમાં મેળામાં 500 કરતાં વધારે સ્ટોલ્સ ઉભા કરાયાં છે તેમજ મનોરંજન માટે ચકડોળ સહિતના સાધનોની સુવિધા ઉભી કરવામાં આવી છે. આજે ગુરૂવારે મેળાના પ્રથમ દિવસથી ભકતોનો અવિરત પ્રવાહ શરૂ થઇ ગયો હતો અને લોકોએ શુકલેશ્વર મહાદેવ તથા ભગવાન વિષ્ણુના દર્શનની સાથે નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું. તંત્ર દ્વારા મેળાને અનુલક્ષી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે.શુકલતીર્થ ગામે આવેલ પૌરાણિક શુકલેશ્વર મહાદેવના મંદિરે કારતકી અગિયારસે ભકતોએ શુકલેશ્વર મહાદેવનો અભિષેક કર્યો હતો.