વાગરા તાલુકાના જાગેશ્વર ગામના 115 લેન્ડ લુઝર્સ એ ગુરૂવારે ધરણાં પ્રદર્શનનો કાર્યકમ ABG શિપ યાર્ડ હાલની વેલ્સપન કંપની ગેટ બહાર જ યોજ્યોહતો. જોકે ધરણાં માટે 10 જુલાઈએ માંગેલી મંજૂરી તંત્રે આપી ન હતી. આજે સવારથી જ ગામમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. જેને લઈ બેનરો સાથે વિરોધ વ્યક્ત કરવા ગામમાં મહિલાઓ આગળ આવી હતી.
જાગેશ્વર ગામના 115 લેન્ડલુઝર્સની વર્ષો પહેલા એકર એક લાખમાં જમીન સંપાદન કરાઈ ત્યારે GIDC એ દરેક સર્વે નબરમાંથી એક ને કંપનીમાં નોકરી, એક પ્લોટ સહિત ગામમાં પ્રાથમિક સુવિધાઓ આપવાની જાહેરાતો કરાઈ હતી.જોકે એબીજી બંધ થયા બાદ તેને ટેક ઓવર વેલ્સપન કંપનીએ કરી હતી. હવે ગામના લેન્ડલુઝર્સ તેઓનો બાકી પગાર, નોકરી અને જીઆઇડીસીએ તેમને આપેલી બાંહેધરી હેઠળ વિવિધ લાભોની માંગ કરી રહ્યાં છે.
જેમાં આજે ગ્રામજનોએ બેનર, સુત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તેઓની અટકાયત કરી દહેજ પોલીસ મથકે લઈ આવી હતી. જ્યાં પણ મહિલા, પુરૂષ ગ્રામજનોએ સુત્રોચ્ચારો સાથે તેઓની માંગણીઓ સંદર્ભે પોલીસ સ્ટેશન પરિસર ગજવ્યું હતું.