ઉત્તરાણના આગમન સાથે પતંગ ચગાવવાનો આનંદ ઉલ્લાસની વચ્ચે કેટલાંકના ગળાં કપાયાના માઠા સમાચારો પણ મળી રહ્યાં છે. ચાઇનીઝ દોરી પર સરકારી પ્રતિબંધ અને તેના પગલે પ્રશાસન સક્રિય થયાના અહેવાલો પણ મળી રહ્યાં છે.
આ બધાં ઘમાસાણની વચ્ચે આપણા કળાકાર અને ફિલ્મ મેકર ડો. તરુણ બેન્કરે “તમારી બે મિનિટ કોઇના જીવ બચાવી શકે” ટેગલાઇન હેઠળ બે મિનિટની પોયેટિક ફિલ્મ ‘કાયપો છે’નું સર્જન કર્યુ છે. માહિતી, સમાચાર કટિંગ અને કવિતાના સમન્વયથી બનેલ આ ફિલ્મ ચેતવણી આપવા સાથે જનજાગૃતિની વાત પણ કરે છે. પોલીસના ડંડા કે કાયદાના ફંદાની બીકે નહીં, પણ સામાજિક જવાબદારીના ભાગરૂપે ચાઇનીઝ કે નાયોલન દોરી અને તુક્કલના બહિષ્કારને અપનાવવાની વાત કરાઇ છે.
પાયેટિક ફિલ્મ ‘કાયપો છે’ અંગે વાત કરતાં સર્જક ડો. તરુણ બેન્કર જણાવે છે કે જનજાગૃતિ અંગેના અનેક વિષયો ઉપર ફિલ્મો બનાવી છે, પણ ફિલ્મ ‘કાયપો છે’ બનાવ્યાં પછી આગવો સંતોષ અનુભવું છું. અહીં માત્ર માનવીય જાનહાની નહીં, અબોધ પશુપક્ષીના મૃત્યુ કે ઘાયલ થવાની વાતને વણી લેવામાં આવી છે.