ભરૂચના ઝાડેશ્વર સ્થિત હરિધામ સોખડા સંચાલિત સર્વનમન વિદ્યામંદિરમાં બુધવારે સવારે સાધ્વી બહેનોનો સ્ટાફને બદલવા સામે સ્થાનિક વાલીઓએ હંગામો મચાવ્યો હતો.
જે બાદ રેસિડેન્સીયલ સ્કૂલમાં અભ્યાસ કરતી 450 દીકરીઓએ એક બાદ એક રડતા રડતા તેમના માતા પિતાને ફોન કરતા રાજ્યભરમાંથી પોતાની દીકરીઓને લઈ જવા વાલીઓ સ્કૂલ ખાતે ઉમટવાના શરૂ થઈ ગયા હતા.
માતા પિતા સ્કૂલના કેમ્પસમાં પોહચતા જ દીકરીઓ તેમને જોઈને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી. દીકરીઓની વેદના અને આ કરૂણ દ્રષ્યો જોઈ માતા પિતાની આંખોમાંથી પણ આંસુ છલકાવવાના શરૂ થઈ ગયા હતા.કેમ્પસ રડતી દીકરીઓ અને તેમના વાલીઓથી ગમગીન બની ગયું હતું. જ્યાં જુઓ ત્યાં માબાપને ભેટીને રડતી દીકરીઓ જ જોવા મળતી હતી. સ્થિતિ વનસતા અને બીજી તરફ મેનેજમેન્ટ સામે વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
આ લખાય છે ત્યારે રાતે પણ સ્કૂલ ઉપર માતા-પિતાને રડતા રડતા ફોન કરી દીકરીઓ બોલાવતી જોવા મળતી હતી. ટ્રસ્ટીઓએ પણ દોડી આવવું પડ્યું હતું. વણસેલી સ્થિતિને જોઈ સી ડિવિઝન પોલીસે પણ બીજી વખત સ્કૂલ ખાતે આવવું પડ્યું હતું.વિધાર્થીઓ સોખડાથી મુકાયેલ નવી સાધ્વી બહેનોના સ્ટાફ સાથે રહેવા અને શિક્ષણ મેળવવા તૈયાર નથી ત્યારે આ વિવાદમાં હજી પણ ટ્રસ્ટીઓ દ્વારા કોઈ ફોડ પડાયો નથી. તેઓએ ફક્ત મેનેજમેન્ટે વધારાની ભગવા બહેનોને સેવામાં સ્ટાફમાં મૂકી હોય અને 17 વર્ષ જુના સ્ટાફને બદલવામાં નહિ આવેનો રાગ આલાપ્યો છે.