
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચના જંબુસરમાં જંગી જનસભા સંબોધી હતી જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ભાજપ તરફથી ધૂંઆધાર પ્રચારની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી છે. PM નરેન્દ્ર મોદી છેલ્લા 3 દિવસથી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે તેમના પ્રવાસના અંતિમ દિવસે ભરૂચના જંબુસર ખાતે જનસભા સંબોધી હતી.
પી.એમ.નરેન્દ્ર મોદીએ તેમના વક્તવ્યમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભરૂચમાં વાર તહેવારે હુલ્લડો થતા હતા એ બંધ થઈ ગયા અને કરફ્યુ હવે ભૂતકાળ બની ગયો છે. બે દશકમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી છે.આદિવાસીઓ અંગે નિવેદન આપતા પી.એમ.નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં આદિવાસીઓ હોવા છતા તેમના કલ્યાણની કલ્પના કરવામાં આવી ન હતી. મને કોઈ કાર્યક્રમના આદિવાસી વસ્ત્રો પહેરાવે તો મજાક ઉડાવવામાં આવતી હતી પરંતુ ભાજપ સરકારે આદિવાસીઓના કલ્યાણનું કાર્ય કર્યું છે.આદિવાસી જનનાયક ભગવાન બિરસામુંડાનું નામ કોંગ્રેસે ભુલાવી દીધું હતું પરંતુ ભાજપે ભગવાન બિરસામુંડાને સાચું સન્માન આપ્યું છે.
બે દિવસથી ગુજરાતમાં ફરું છું, ચારેતરફ એક જ નારો, વાત શંખનાદ, એક એક ગુજરાતી કહે છે કે ફરી એકવાર મોદી સરકાર. દેશમાં એવો કોઈ પ્રધાનમંત્રી જોયો છે તમે કે તેને જંબુસર, આમોદ, ઝઘડિયા બધું જ ખબર હોય. કેટલાય ને તો એ પણ ખબર નહિ હોય કે ઝઘડિયા તાલુકો છે કે સ્વભાવ.ભરૂચ જિલ્લાના લોકોની છાતી ફુલવી જોઈએ. કે ભરૂચે કોરોનામાં દેશ અને દુનિયાના કેટલાય લોકોની જિંદગી બચાવી. ભરૂચ આજે ભારતના નાના રાજ્યો કરતા પણ આગળ છે. જિલ્લાના 2 લાખ ખેડૂતોના ખાતામાં 400 કરોડ સીધા જમા થયા છે.વધુમાં વડાપ્રધાને ભુતકાળમાં ગરીબનું રાશન અને રાશન કાર્ડની પણ લૂંટ ચલાવનાર નેતા ભરૂચ જિલ્લામાં બેઠા હોવાનું કહી લાંબા ઝભ્ભા પહેરી ફરતા નેતાઓ પર નિશાન સાંધ્યું હતું.20 વર્ષમાં ભાજપે ગુજરાતમાં એવો ઝંડો રોપ્યો કે જાતિવાદ, ગુંડાવાદ, ભ્રષ્ટાચાર કરવા વાળી કોઈ પણ પાર્ટી આવે બધાએ વિકાસવાદની વાત કરવી પડે. આ તમારા ઘરનો જન જે સુખે દુઃખે તમારી જોડે રહે, ભરૂચમાં હું સાયકલ ઉપર ફરતો, પાંચબત્તી અમારું કાર્યાલય હતું. અંતમાં તેમણે દરેક પોલિંગ બુથમાંથી કમળ ખીલવવવા આહવાન કર્યું હતું.
આ ચૂંટણી સભામાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, જનક બગદાણાવાળા, ઉમેદવારો ઈશ્વર પટેલ, અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, દિવ્યેશભાઈ પટેલ, ફતેસિંહ ગોહિલ, મંત્રી નિશાંતભાઈ મોદી છત્રસિંહ મોરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.