ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સતા મંડળ દ્વારા બૌડાની રચના બાદ 10 વર્ષે તવરા ગામની પાંચ ટીપી સ્કીમ જાહેર કરાઈ હતી. જોકે 40 ટકા કપાતને લઈ જુના અને નવા તવરાના ગ્રામજનોએ ટીપી સ્કીમનો વિરોધ નોંધાવ્યો હતો.
ગ્રામજનોને ટીપી સ્કીમ મંજુર ન હોય તે રદ્દ કરવાની માંગ કરવા આજે શક્તિનાથ થી કલેકટરાલય ખાતે રેલી સ્વરૂપે જઈ સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા પણ ખેડૂતોના સમર્થનમાં જોડાઇ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં ખેડૂતોએ અને ધારસભ્યે કલેકટર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી. જેના પ્રત્યુત્તરમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ધારાસભ્ય અને ખેડૂતોને જણાવ્યું કે હજુ કોઇ ટી.પી. સ્કીમ જાહેર જ નથી થઈ. સાથે જો ખેડૂતોને વાંધો હોય તો કોઇ તેમની જમીન નહીં લે તેમના હિતમાં નિર્ણય લેવામાં આવશેની ભરૂચ કલેક્ટરે ખાત્રી ઉચ્ચારતા સૌ ખેડૂતોમાં ખુશી ફેલાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, તવરા ગામના ખેડૂતોના સમર્થનમાં મોડે મોડે પણ આમ આદમીપાર્ટી જાગી હતી અને તેમણે પણ કલેકટરને રજૂઆત કરી હતી. પરંતુ તે પહેલાજ કલેકટરે ટીપી. સ્કીમ જાહેર જ નથી થયાનું કહેતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. જો કે આ પેહલા પણ વર્ષ 2016 માં પાંચ હજારથી વધુ ખેડૂતોએ રેલી કાઢી બૌડાને રદ્દ કરવાની માંગણી કરી હતી.