કેસની ટૂંકમાં વિગત એવી છે કે વર્ષ ૨૦૧૬માં ફરિયાદી હરિસિંહ ખુમાનસિંહ મહિડા રહેવાસી સારોદ, તા. જંબુસર, જી, ભરૂચ નાઓ રાત્રિના ૮.૪૫ ક્લાકે આરોપી ઘનશ્યામસિંહ ના ઘર પાસેથી જતાં હતા તે વખતે તેમણે અને તેમની પત્ની એ અપમાન જનક શબ્દો ફરિયાદીને બોલેલા, જેથી ફરિયાદી તેઓના ઘરે જઇ આ બાબતે તેમના ઘરના સભ્યોને વાત કરતાં તેઓ બધાં આરોપીના ઘરે આ બાબતે કહેવા ગયેલા.
તે વખતે ત્યાં બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ આરોપી કકિ દિલિપ સિંહ સિંધા, નરેન્દ્રસિંહ દિલીપસિંહ સિંધા તથા દિલીપસિંહ બળવંતસિંહ સિંધી નાઓએ લાકડીઓ વડે ફરિયાદી અને તેમના પિતા ને માર મારેલ. તેમાં ફરિયાદીના પિતા ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલી હોય તેઓને પ્રથમ જંબુસર દવાખાને અને ત્યાર બાદ એસ.એસ જી. હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવેલ.
આ કેસમાં ફરિયાદીની ફરિયાદ બાદ તપાસના અંતે ચાર્જશીટ રજૂ થતાં કેસ ભરૂચ સેશન્સ કોર્ટમાં ચાલવા અર્થે આવેલ. જે કેસમાં પ્રથમ તે વખતના સરકારી વકીલ જી. આર. પરમારે હાજર થઈ કેટલાક સાક્ષીઓની જુબાનીઓ લીધેલ. ત્યારબાદ તે કેસ મદદનીશ જિલ્લા સરકારી વકીલ અને વધારાના પબ્લિક પ્રોસિક્યુટર આર. જે. દેસાઈ પાસે ચલાવવા માટે આવતા તેઓએ તે કેસ ચલાવી અંતમાં દલીલો કરેલ. દલીલોના અને પાંચમા એડિશનલ સેશન્સ જજ જી. ડી. યાદવે આ ત્રણેવ આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૬ અને ૩૪ હેઠળ તકસીરવાર ઠેરવી તમામ આરોપીઓને ૫ વર્ષની કેદ અને રૂ. ૫૦૦૦ નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૩ માસની કેદનો હુકમ તારીખ ૨૮.૦૯.૨૦૨૨ ના રોજ ફરમાવેલ છે.