
આજે વહેલી સવારના સમયે ભરૂચ થી દહેજ તરફ જવાના રસ્તા પર કેશરોલ ટોલ ટેક્ષ નાકા પાસે બિસ્માર રસ્તા અંગે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો તેમજ સ્થાનીક રહીશો એકઠા થયા હતા. દહેજ જીઆઇડીસીની વિવિધ કપનીઓમાં પ્રથમ શિફ્ટનો સમય થતા નાઈટ શિફ્ટમાં ફરજ બજાવી પરત આવતા તેમજ પ્રથમ શિફટમાં ફરજ પર જતા કર્મચારીઓને લઈ જતી મોટી સંખ્યામા લક્ઝરી બસના ચાલકો તેમજ વિવિધ કંપનીઓના કર્મચારીઓ પણ ચક્કાજામ કાર્યક્રમમાં જોડાયા હતા.
ભરૂચથી દહેજ તરફ જવાના રસ્તા પર આજે વહેલી સવારે કેશરોલ ટોલ ટેક્ષ નાકા પાસે વાહન ચાલકો અને સ્થાનીક રહેવાસીઓએ બિસ્માર રસ્તાના પગલે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
કેશરોલ તેમજ આજુબાજુના ગામોના રહીશો પણ આ ચક્કાજામમાં જોડાતા જોત જોતામાં વાહનોની કતારો લાગી ગઇ હતી. ભરૂચ ગ્રામ્ય પોલીસ પણ આંદોલનના સ્થળ પર પહોંચી ગઇ હતી. થોડા કલાકો અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે ટ્રાફિક યથાવત થયો હતો. જોકે, આ ચક્કાજામના પગલે દહેજ જીઆઇડીસીમાં કંપનીઓના રેગ્યુલર શિડ્યુલ ખોરવાઈ ગયો હતો.