
આમોદમાં સતત ૯૮ વર્ષથી જળ ઝીલણી અગિયારસે પરંપરાગત રીતે કાછીયા પટેલ સમાજ દ્વારા લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજાઈ છે.કાછીયાવાડ ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદીરે નાહીયેર ગુરુકુળના પૂજ્ય ડી.કે.સ્વામી આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલ તથા સમાજના આગેવાનો દ્વારા આરતી કર્યા બાદ લાલજી મહારાજની પાલખીમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં કાછીયા પટેલ સમાજના યુવાનો,વડીલો,મહિલાઓ ભક્તિભાવ સાથે જોડાયા હતા.
મહિલાઓ ભકિતભર્યા ગીતોના ગુંજન સાથે શોભાયાત્રામાં જોડાઈ હતી.ત્યાર બાદ બહુચર માતાજીના મંદિર પાસે બાપા સીતારામ સેવા સમિતિના આગેવાનો દ્વારા લાલજી મહારાજનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.આમોદના મોટા તળાવ ખાતે લાલજી મહારાજને સ્નાન વિધિ કરાવ્યા બાદ નગરના આગેવાનોએ લાલજી મહારાજની આરતી ઉતારી હતી.ત્યાર બાદ આમોદના મનીષભાઈ પટેલને ત્યાં લાલજી મહારાજે થાળ ગ્રહણ કર્યો હતો.તેમજ આમોદના ગાંધીચોક,ટાવર ચોક ખાતે લાલજી મહારાજની બેઠક કરવામાં આવે છે.જ્યાં અન્ય સમાજના આગેવાનો દ્વારા પણ ઉપસ્થિત રહી આરતી કરી ભગવાનનું પૂજન કર્યું હતું.
ત્યાર બાદ લાલજી મહારાજની શોભાયાત્રા સાથે કાછીયા પટેલ સમાજ દ્વારા ટ્રેકટરમાં પરીઓનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો.જેમાં નાના બાળકો રામ,લક્ષમણ,સીતા હનુમાન,રાધા,કૃષ્ણ શંકર ભગવાન જેવા પાત્રોમાં આવે છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.બેન્ડની સુમધુર સુરાવલી ઉપર ભક્તિ તેમજ ફિલ્મી ગીતોના સથવારે લોકો ડાન્સ કરતાં કરતાં ઝૂમી ઉઠી કાછીયાવાડમાં લક્ષ્મીનારાયણ નિજ મંદિરે મોડી રાત્રે પરત ફર્યા હતાં.
- રિપોર્ટર: વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ