દિલ્હીમાં શરાબ નીતિ મામલે ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ તમામની વચ્ચે સામાજિક કાર્યકર અન્ના હજારેએ પણ શરાબ નીતિ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે નવી સરકારની એક્સાઇઝ નીતિની ટીકા કરી છે અને કહ્યું છે કે એવું લાગે છે કે મુખ્યમંત્રી સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે.
અન્નાએ લખ્યું છે કે ‘તમે મુખ્યમંત્રી બન્યા પછી હું તમને પહેલીવાર પત્ર લખી રહ્યો છું. છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી સરકારની દારૂ નીતિ વિશે જે સમાચાર આવી રહ્યા છે તે વાંચીને ખૂબ જ દુઃખ થાય છે.’ ‘હું આ પત્ર એટલા માટે લખી રહ્યો છું કારણ કે અમે પહેલા રાલેગણસિદ્ધિ ગામમાં દારૂ પર પ્રતિબંધ મૂક્યો હતો. પછી મહારાષ્ટ્રમાં દારૂની નીતિ બનાવવા માટે આંદોલનો કર્યા હતા.
આ ચળવળને કારણે દારૂબંધીનો કાયદો બન્યો હતો. હું જ્યારે વિરોધ કરી રહ્યો હતો તો તેઓ મને પોતાના ‘ગુરુ’ કહેતા હતા, હવે તે ભાવનાઓ ક્યાં છે?અન્નાએ ઉમેર્યું છે કે એક ઐતિહાસિક આંદોલનને નુકસાન પહોંચાડ્યા બાદ જન્મેલી પાર્ટી હવે અન્ય પક્ષોના માર્ગો પર છે, જે દુખદ છે. નવી નીતિથી શરાબનું વેચાણ અને વપરાશને પ્રોત્સાહન મળશે અને ભ્રષ્ટાચાર પણ વધશે.