જય ભારત ઓટોરીક્ષા એસોસિએશન, ભરૂચના પ્રમુખ આબી મીર્ઝાની આગેવાનીમાં લાંબા સમયથી કરાતી રીક્ષા સ્ટેન્ડની ફાળવણીની માંગ સાથે કલેકટરને આવેદન પાઠવાયું હતું.
આવેદનમાં જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી નિયત કરેલ સ્થળો પર ઓટોરીક્ષા સ્ટેન્ડની લેખિક અને મૌખિક અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા તેમજ સંલગ્ન સરકારી તંત્ર દ્વારા રજૂઆતો સમયે ઓટોરીક્ષા સ્ટેન્ડ ફાળવવા કામગીરી ચાલી રહી છે તેમ જણાવી આજદિન સુધી એકપણ ઓટોરીક્ષા સ્ટેન્ડ ફાળવવમાં આવ્યું નથી. ત્યારે ગરીબ ઓટોરીક્ષા ચાલકોને પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકને અડચણ જેવા કાયદાઓ હેઠળ હજારે રૂપિયાનો દંડ કરવામાં આવે છે. નિષ્ક્રિય અને નિષ્ઠુળ બનેલા અધિકારીઓના પાપે ગરીબ ઓટોરીક્ષા ચાલકોએ મહેનતથી કમાયેલા રૂપિયાથી ઘર પરિવારનું જીવન ગુજરાન ચાલવવાને તેમજ બાળકોના ભણતર પાછળ ખર્ચ કરવાને ઞદલે દંડરૂપી હજારો રૂપિયા ભરવાનો વારો આવ્યો છે.
ભરૂચમાં એક ખાનગી કોન્ટ્રાકટર દ્વારા કાર્યરત સિટીબર્સ સેવા માટે જેવી રીતે તાત્કાલિક ધોરણે બસ સ્ટેન્ડો બનાવવા જગ્યા ફાળવવમાં આવી છે તેવીજ રીતે તાત્કાલિક ધોરણે ગરીબ ઓટોરીક્ષા ચાલકોને પણ ઓટોરીક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે જેથી પોલીસની દંડાત્મક કાર્યવાહીમાંથી મુક્તિ મળે અને સ્વમાનભેર ઓટોરીક્ષા ચલાવી પોતાના પરિજનોનું જીવન ગુજરાન ચલાવી શકે. સાથે એસોશિયેશનના પ્રમુખ આબીદ મીર્ઝા દ્વારા તંત્રને આગામી દિન ૩માં જ ઓટોરીક્ષા સ્ટેન્ડની માંગ બાબતે યોગ્ય નિર્ણય કરાય નહીં તો રીક્ષાચાલકો ને ધરણા જેવા કાર્યક્રમો આપવા ફરજ પડશેનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું.