ભરૂચ જિલ્લામાં દશામાં, તાજીયા તથા ગણેશ ઉત્સવ દરમિયાન કુદરતી સ્ત્રોતને પ્રદુષિત થતા અટકાવવા માટે સત ચેતના સંગઠન દ્વારા ભરૂચ કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
સરકાર દ્વારા ગણેશજીની પ્રતિમાઓની ઊંચાઈનો પ્રતિબંધ હટાવી દેવાયો છે પરંતુ ગણેશજીની પ્રતિમાઓની બનાવટમાં માટી કે પીઓપીથી બનાવવા માટે કોઈ નિયમ બનાવવામાં આવ્યા નથી. મોટેભાગે ઊંચાઈ ધરાવતી મોટાભાગની પ્રતિમા પીઓપીમાંથી જ બનાવવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન હજારોની સંખ્યામાં દેવી-દેવતાઓની પીઓપીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે અને મોટાભાગની પ્રતિમાનું વિસર્જન નર્મદા નદીમાં કરવામાં આવતું હોય છે.
સત ચેતના સંગઠનના ધવલ કનોજીયા દ્વારા જણાવાયું કે નદીમાં કરવામાં આવતા મૂર્તિ વિસર્જન ને કારણે પ્રતિમાઓના પીઓપી તથા ઝેરી રંગ રસાયણથી નદી પ્રદૂષિત થાય છે અને જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભરૂચ પ્રશાસન દ્વારા ગણેશજીની પ્રતિમાનું વિસર્જન માટે કૃત્રિમ જળ કુંડ બનાવવામાં આવતા હતા. પરંતુ ગણેશજીનું વિસર્જન બીજા દિવસથી ઘણા લોકો કરતા હોય છે. જેથી કૃત્રિમ તળાવ પ્રથમ દિવસથી જ વહેલી તકે બનાવવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.