
આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે બે કાંઠે વહેતી થતાં આમોદ તાલુકા તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સાવધ કરાયા છે.તેમજ નદીની જળસ્તર સપાટીમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.તેમજ નદીનું પાણી ખેતરોમાં ફરી વળતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાય હતા.આ ઉપરાંત ઢાઢર નદીમાં મગરોનું પણ પ્રમાણ વધુ હોવાથી મગરો પણ બહાર આવ્યા હોવાનું અનુમાન થઈ રહ્યું છે.તેમજ ઢાઢર નદીમાં જંગલી ન્હારી વેલનો પણ જમાવડો થયો હોય તંત્ર દ્વારા વેલને હટાવવા લોકમાંગ કરવામાં આવી છે. કારણ કે વેલને કારણે પાણી અવરોધતા આસપાસની ખેતીને વધુ નુકશાન થવાની ભીતિ ખેડૂતો દર્શાવી રહ્યા છે.હાલ ઢાઢર નદી ૧૦૦ ફૂટની સપાટીએ વહી રહી છે જે તેની ભયજનક સપાટીથી માત્ર બે ફૂટ દૂર છે.ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નદી કાંઠાના આઠ ગામો પુરસા, કાંકરિયા,વાડિયા, કોબલા,વાસણા,મંજોલા,રાણીપુરા, દાદાપોર, સહિતના ગામોને સાવધ કરાયા છે તેમજ જે તે ગામના તલાટીઓને ગામના હાજર રહી આગોતરું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.
આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીએ ૧૦૦ ફૂટ ઉપર બે કાંઠે વહી રહી છે ત્યારે આમોદ વહીવટી તંત્ર દ્વારા કાંકરિયા ગામ પાસે આવેલા માનસંગપુરા ગામમાં નદીના પાણી ઘુસી જતાં સલામતીના ભાગરૂપે ગામના ૧૮ વ્યક્તિઓનું કાંકરિયા ગામ ખાતે શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.જેમાં કાંકરિયા ગામના સરપંચ મનીષાબેન પ્રવીણ ઠાકોર દ્વારા એક દિવસ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.પરંતુ તંત્ર દ્વારા બીજા દિવસે કોઈ વ્યવસ્થા કરવામાં ના આવતા ૧૮ માંથી ૮ વ્યક્તિઓ ગામમાં પરત જતી રહી હતી.તેમજ બીજા લોકો સંબંધીઓના ઘરે રોકાયા હતાં.જે બાબતે ગામના સરપંચે તંત્રને રિપોર્ટ પણ કરી દીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ઢાઢર નદીના પાણી માનસંગપુરા ગામમાં ફરી વળતા નદીમાં વસવાટ કરતા મગરો પણ ખેતરોમાં ફરતા થઈ જતાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, હાઈસ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.જે બાબતે તલાટીએ તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો હતો.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ