
ભરૂચના મકતમપુરની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા બિલ્ડર પરિવાર સાથે કુળદેવી મોઢેશ્વરી માતા અને અંબાજીના દર્શને ઘર બંધ કરી ગયાના 40 કલાકમાં જ તસ્કરો તેમના ઘરમાંથી રૂ. 1.03 કરોડ રોકડા ચોરી જતા ખળભળાટ મચી ગયો છે.
ભરૂચ શહેરના જાણીતા બિલ્ડર ધર્મેશ દિનેશચંદ્ર તાપીયાવાલા પરિવાર સાથે 12 જૂનના રોજ સવારે 11 કલાકે ઘર બંધ કરીને કુળદેવી મોઢેશ્વરી માતાના દર્શને મોઢેરા ખાતે ગયા હતા. તેઓ પત્ની વર્ષાબેન અને પુત્ર હર્ષ સાથે અહીંથી બનાસકાંઠા અંબાજી માતાજીના દર્શનાર્થે ગયા હતા. બિલ્ડર પરિવાર દર્શન કરી 13 જૂને મધરાતે 3 કલાકે ઘરે પરત ફર્યું હતું. પરિવારના સભ્યો પરત ફર્યા ત્યારે ઘરનો દરવાજાની આગળની જાળી ખુલ્લી હતી અને દરવાજાનો નકુચો તૂટેલો હતો. બિલ્ડર ઘરમાં પ્રવેશતા સમાન વેરવિખેર જણાતાં તસ્કરોએ ધાપ મારી હોવાનો બિલ્ડરને ખ્યાલ આવી ગયો હતો.
તસ્કરોએ પ્રથમ જાળીવાળા દરવાજાનો નકુચો તોડી મુખ્ય દરવાજાનો લોક તથા ઈન્ટર લોક તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બેડરૂમના લાકડાના કબાટો તોડી રોકડા રૂપિયા એક કરોડ 3 લાખ 96 હજાર 500 ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બિલ્ડર ધર્મેશભાઈએ વેપાર વ્યવસાય અર્થે ઘરમાં પાંચસોના દરની 100 નોટના 192 બંડલ તથા પાંચસોના દરની 93 નોટ છૂટી જેની કુલ કિંમત રૂ. 96.46 લાખ. ઉપરાંત 2 હજારના દરની 100 નોટના 3 બંડલ કિમંત રૂ. 6 લાખ અને 200 રુપિયાના દરની 100 નોટના 5 બંડલ કિમંત રૂ.1 લાખ સાથે 100 રૂપિયાની અને 200 રુપિયા ની ચલણી નોટ મળી રૂ. 50 હજાર મળી કુલ રોકડા 1.03 કરોડ ઘરમાં રાખ્યા હતા. જે તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા છે.
પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિવાર બહારગામ ગયું હોવાથી મકાન બંધ રહ્યું હોવાની તકનો લાભ ઉઠાવી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ભરૂચ સી – ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.