
ભરૂચ તાલુકાના ઝંઘાર ગામે એક માથાભારે તત્વ દ્વારા ગ્રામ પંચાયતમાં તોડફોડ કરી તલાટી પર હુમલો કરી જાનથી મારી નાખવાની ઘટનાના જિલ્લા તલાટી મંડળમાં ઘેરા પ્રત્યાઘાત ઉભા થયા છે. ભરૂચ જિલ્લા તલાટી મંડળે જિલ્લા કલેકટર, એસ.પી. અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપી હુમલો કરનાર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
ભરૂચ જિલ્લા પંચાયત કર્મચારી મંડળ અને જિલ્લા તથા તાલુકા તલાટી મંડળે જિલ્લા કલેકટરને આપેલ આવેદનમાં જણાવ્યા મુજબ ઝંઘાર ગામે ચૂંટણીની અદાવતમાં ગામના જ રહીશ સોહેલ નૂરમહંમદે 7મી મેં 2022ના રોજ મહિલા સરપંચ પર ઘાતક હથિયારો સાથે હુમલો કરી મારામારી કરી હતી. સાથે પંચાયતમાં તોડફોડ કરી તલાટી જ્યોર્જ મેકવાન પર પણ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ મામલે મહિલા સરપંચે એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ કરતા સોહેલની ધરપકડ થઈ હતી.
ગંધાર ગામે તલાટી જ્યોર્જ મેકવાન પર હુમલો કરવાની ઘટનાના સમગ્ર ગુજરાતના તલાટીઓમાં ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા હતા. ગુજરાત રાજ્ય તલાટી મંડળે મુખ્યમંત્રીને આવેદન આપી તલાટી પર હુમલો કરનાર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. દરમ્યાન બુધવારના રોજ ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના તલાટી મંડળોએ મામલતદાર, ટીડીઓ અને પોલીસને આવેદન આપ્યા હતા. જ્યારે જિલ્લા તલાટી મહામંડળ અને જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને એસ.પી.ને આવેદન આપી હુમલો કરનાર સોહેલ નૂરમહંમદ સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.