ડાંગ જિલ્લાના મહિલા સ્વસહાય મહિલા જૂથોને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પ્રવર્તતી વિવિધ રોજગારી અને સ્વરોજગારીનો લાભ લઈને, સ્વવિકાસ સાધવાની હિમાયત કરતા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવીતે, સફેદ મૂસળી જેવા ઔષધિય પાકોમા રહેલી અર્થ ઉપાર્જનની વિપુલ શક્યતાઓનો લાભ લેવાની પણ અપીલ કરી હતી.
ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી.ગાંધીનગર, અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-આહવા પુરસ્કૃત ‘રાસ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ કાર્યક્રમ અંતર્ગત, જિલ્લાના સ્વસહાય જૂથોને બેન્ક લીંકેજીસ કેશ ક્રેડિટ કેમ્પમા પ્રમુખ ગાવીતે ડાંગ જિલ્લાના સ્વસહાય જૂથોના મહિલા સભ્યોને ચેક, લોન મંજૂરી પત્રો પણ એનાયત કર્યા હતા.
આહવાના ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે પણ વિશેષ ઉપસ્થિત રહી, મહિલા સ્વસહાય જૂથોને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી, વ્યવસાય-સેવા-અને ઉત્પાદનોના માર્કેટિંગ સહિત સ્વછતા ઉપર વિશેષ લક્ષ કેન્દ્રિત કરવાની હિમાયત કરી હતી. ધારાસભ્યએ આંબા કલમ ઉછેર જેવા વ્યવસાયમા પણ સ્વસહાય જૂથોને આગળ આવવાની અપીલ કરી હતી.
કાર્યક્રમની શરૂઆતમા મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામક કે.જે.ભગોરાએ કર્યું હતુ. જ્યારે આભારવિધિ આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારી રતિલાલ ચૌધરીએ આટોપી હતી. સ્વસહાય જૂથોના લાભાર્થીઓએ તેમના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. કાર્યક્રમમા આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શકુંતલાબેન પવાર, જુદી જુદી સમિતિઓના અધ્યક્ષ, પ્રાંત અધિકારી આર.એમ.જાલંધરા, હોદ્દેદારો, પદાધિકારીઓ, અધિકારીઓ, બેન્ક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.