વાલિયા તાલુકાના કરાગામની સીમમાંથી મામલતદારે માટી ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ગામ લોકોની રજૂઆતને પગલે રેડ કરતા સ્થળ ઉપર ખેડૂતના ખેતરમાંથી ઘણી માટી ખોદાયેલ મળી હતી આથી માટી ખનન કરતું જેસીબી મશીન જપ્ત કરી તપાસ હાથ ધરી છે. ત્યારે મહિલા મામલતદારે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડતા ભૂમાફિયાઓ દોડતા થયા હતા જ્યારે અન્ય સ્થળે પણ હજુ માટી ચોરી થતી હોવાના અહેવાલ લોકોમાંથી આવી રહ્યા છે.
વાલિયા તાલુકાના કરા ગામની સીમમાંથી ગેરકાયદેસર માટી ચોરી કરવામાં આવી રહી છે, તેવી બાતમી વાલિયા મામલતદાર નેહા સવાણીને મળતા તેઓએ પોલીસ કાફલા સાથે કરા ગામની સીમમાં સર્વે નંબર 71 જેનું ક્ષેત્રફળ 01-07-08 હેકટર છે જેના છીડિયાભાઇ, કેસાભાઈ,રણજીત અને રતનભાઈ મોહનભાઇ વસાવા સહિયારા માલિક છે તેના ખેતરમાં દરોડા પાડ્યા હતા.
વાલીયા મામલતદારની ટીમે સ્થળ ચકાસણી કરતા આશરે 2.5 એકરમાં માટી ખોદાણ થયેલ જોવા મળતું હતું આથી મામલતદારે સ્થળ પરથી ગેરકાયદેસર રીતે માટી ચોરીનું કૌભાંડ ઝડપી પાડી વધુ તપાસ કરતા આ માટી ચોરી અનિલ બોરાધરા કરતા હોય તેઓ અંકલેશ્વર જીઆઈડીસીમાં માટી નાખી વગર પરમિશન અને રોયલ્ટી વિના આ માટીચોરીનો વેપલો કરતા માટી ખોદતું જેસીબી મશીન જપ્ત કરી આગળની કાર્યવાહી કરવા ભરૂચ ખાણ અને ખનીજ વિભાગને રિપોર્ટ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના કોંઢ અને વટારીયા ગામની સીમમાં તળાવ ઊંડા કરવાના નામે માટી ઉલેચી અંકલેશ્વરના ખાનગી સ્થળો પર ઠલવાઈ રહી હોવાની પણ બુમો પણ ઉઠી છે.