કેન્દ્ર સરકારે ગુરુવારે દેશભરમાં કોવિડ-૧૯ કન્ટેનમેન્ટના પગલાં ૩૦ નવેમ્બર સુધી લંબાવ્યા છે. ઘણા રાજ્યોમાં હજુ કોરોના સંક્રમણનું પ્રમાણ નોંધપાત્ર છે અને વાઇરસ સમગ્ર દેશના જાહેર આરોગ્ય માટે મોટો પડકાર છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સાથેની વાતચીતમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા હાલના પ્રોટોકોલ્સ ૩૦ નવેમ્બર સુધી જારી રહેશે. તેમણે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે, “કોવિડ સામે સાવચેતીના પગલાંનું લોકો ચુસ્તપણે પાલન નહીં કરે એવી શક્યતા છે. ખાસ કરીને તહેવારોમાં આવું થવાની શક્યતા ઘણી વધુ છે. એટલે માર્ગરેખાનો અમલ જરૂરી છે. જેથી સાવચેતી અને સુરક્ષા સાથે તહેવારોની ઉજવણી કરી શકાય.”
ભલ્લાએ વધુમાં જણાવ્યું હતું કે, “દેશમાં કોવિડના દૈનિક કેસ અને દર્દીઓની કુલ સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, પણ કેટલાક રાજ્યોમાં હજુ નોંધપાત્ર સંક્રમણ છે અને કોવિડ-૧૯ હજુ જાહેર આરોગ્ય માટે મોટો પડકાર છે.”ગૃહ સચિવે જણાવ્યું હતું કે, “રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ નિયમિત ધોરણે કેસ પોઝિટિવિટી દર, હોસ્પિટલ, દરેક જિલ્લામાં આઇસીયુ બેડની ઓક્યુપન્સી સહિતની બાબતો પર ચાંપતી નજર રાખવી જરૂરી છે.” તેમણે કહ્યું હતું કે, “પાંચ પગલાંની વ્યૂહરચના ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ, વેક્સિનેશન અને કોવિડ સામે સાવચેતી માટે જરૂરી વર્તણૂક સતત ચાલુ રાખવી જરૂરી છે. આવું કરવાથી તહેવારો સુરક્ષિત રીતે પસાર કરી શકાશે અને કોવિડ-૧૯ના કેસમાં ઉછાળાની શક્યતા ટાળી શકાશે.” તેમણે જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ વેક્સિનેશનની ઝડપ વધારવી જોઇએ અને બીજા ડોઝને પ્રાધાન્ય આપવું જોઇએ.”