- ભારતીય વિચાર મંચ ગુજરાત દ્વારા થયેલું આયોજન
ભારતીય વિચાર મંચ, ગુજરાત દ્વારા “ભારતનો સ્વાતંત્રતા સંગ્રામ અને સમકાલીન પડકારો” વિષય પર રસપ્રદ વેબીનારનું આયોજન આજે કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય વક્તા તરીકે ઓર્ગેનાઈનઝર વિકલીના સંપાદક પ્રફુલ કેતકરે પોતાનું મનનીય વક્તવ્ય આપ્યું હતું.
કેતકરે વક્તવ્યના પ્રારંભે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિ “પરાક્રમ દિવસ” પર શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતે સ્વતંત્રતા સંગ્રામની લડાઈ માં પોતાની ઓળખાણ ગુમાવી નહી.ભારતને રાષ્ટ્રીયતા આપવાનો ખોટો દાવો અંગ્રેજો વર્ષો સુધી કરતા હતા.
ભારત વર્ષો થી એક રાષ્ટ્ર જ હતું. ડાબેરી વિચારધારાના લોકો પણ અંગ્રેજોના સુર માં સુર મિલાવી ભારતને એક રાષ્ટ્ર તરીકે ગણતા ના હતા. કેતકરે જણાવ્યુ હતુ કે ભારતની સ્વતંત્રતા માટેની લડાઈ કોઈ એક રાજકીય પક્ષ દ્વારા લડાઈ રહી હતી તેવી છબી ઉભી કરવામાં આવી હતી જ્યારે આ લડાઈ ભારતના વિભિન્ન સ્થળે, વિભિન્ન લોકો,સમુદાયો દ્વારા પણ લડાઈ રહી હતી.
તેમણે જણાવ્યું કે ભારતની બ્રિટિશ શાસન સામે થયેલી બહુઆયામી સ્વાંત્રતાની લડાઈનો આપણે નવા સમયમાં પુનઃ અભ્યાસ કરવાની આવશ્યકતા છે.અંગ્રેજોએ ભારતના *સ્વ* ને મીટાવવાના અનેક પ્રયાસ કર્યા. ભારતના જનજાતિ સમાજને ભારતના અન્ય સમાજથી અલગ કરવાના અનેક પ્રયાસ કર્યા જેમકે ફોરેસ્ટ એક્ટ લાગુ કર્યો, અનેક હત્યાઓ કરી જનજાતિ સમાજને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કર્યો જેમાં અંગ્રેજોનો પરાજય થયો.
પ્રફુલ કેતકરના ઉત્કૃષ્ટ વક્તવ્ય બાદ ઝૂમ અને યુ ટ્યુબ ચેનલ પર દેશ વિદેશથી જોડાયેલા પ્રબુદ્ધજનો સાથે વિચાર વિમર્શ થયો હતો.ભારતના સ્વતંત્રતા સંગ્રામ વિશે પૂછાયેલા તમામ પ્રશ્નોનો સમાધાનકારક જવાબો તેમણે આપ્યા હતા.સમગ્ર વેબિનારનું સંચાલન શ્રી જવનિલએ કર્યું હતું.આભારવિધિ ડૉ શિરીષ કાશીકરે કરી હતી.
આ વેબીનારમાં ભારતના અનેક શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ અને શહેરના પ્રબુદ્ધજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.