શહેરમાં નવરાત્રી મહોત્સવની ધૂમ વચ્ચે ‘કવિતા ધામ ફેઝ-૨’ સોસાયટી ખાતે આસો સુદ આઠમની ભવ્ય અને પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા ૧૪ વર્ષથી સતત ચાલી આવતી પોતાની આગવી પરંપરાને જાળવી રાખીને સોસાયટીના રહીશોએ આ વર્ષે પણ એક અનોખી થીમ સાથે જગતજનની માં અંબેની આરાધના કરી હતી.

આઠમના પવિત્ર અવસરે સોસાયટીના ચોકમાં આકર્ષક અને રંગબેરંગી રંગોળી સજાવવામાં આવી હતી. આ વર્ષે પણ દર વર્ષની જેમ એક નવો જોશ અને અનોખો ઉમંગ સોસાયટીના રહીશોમાં જોવા મળ્યો હતો. સોસાયટીની માતાઓ, બહેનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં પરંપરાગત પ્રાચીન અને અર્વાચીન વેશભૂષામાં સજ્જ થઈને ગરબે ઘૂમ્યા હતા. પવિત્ર અને પ્રકાશિત ગરબાની ફરતે જ્યારે પરંપરાગત તાલ પર પ્રાચીન ગરબાઓની રમઝટ જામી, ત્યારે સમગ્ર વાતાવરણ આદ્યશક્તિ જગદંબાની અસીમ ઊર્જાથી ઝળહળી ઊઠ્યું હતું. આઠમની રાત્રે યોજાયેલી ભવ્ય મહાઆરતીમાં સોસાયટીના તમામ અબાલ-વૃદ્ધો એકસાથે જોડાઈને માતાજીની ભક્તિમાં લીન થયા હતા.
આ કાર્યક્રમની અદભુત સફળતા અને ભવ્યતા એ ‘કવિતા ધામ ફેઝ-૨’ ની કારોબારી સમિતિ, તમામ ઉત્સાહી સ્વયંસેવકો અને સોસાયટીમાં રહેતા પરિવારોની અથાક મહેનત તથા સમર્પિત ભાવનાનું પરિણામ છે. તમામ સભ્યોના પરસ્પર સહયોગ અને નિષ્ઠાને કારણે જ આ મહોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ સોસાયટીના ઇતિહાસમાં એક યાદગાર સંસ્મરણ બની રહ્યો હતો.





