ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક મુખ્ય ધોરીમાર્ગ પર વરસાદી પાણીના નિકાલ માટે રોડની બંને બાજુ ગટરો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજપારડીથી સારસા ગામ વચ્ચે પણ ગટર બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જોકે, સારસાના ગુલિયાપરા ફળિયા નજીક ખાડી તરફ જવાના માર્ગ પર ગટર બનાવવા માટે કરવામાં આવેલું ખોદકામ દિવસો વીતી જવા છતાં પૂરવામાં આવ્યું ન હોવાથી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

ગટર બનાવવા માટે માર્ગ પર ખોદકામ કરવામાં આવ્યું છે, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તો પૂર્વવત્ કરવામાં આવ્યો નથી. પરિણામે ખાડી તરફ જવા-આવવા માટે આ માર્ગનો ઉપયોગ કરતા ખેડૂતો અને ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સારસાના ખાડી વગા વિસ્તારમાં અનેક ખેડૂતોનાં ખેતરો આવેલાં છે. આ ખેતરોમાંથી શેરડી, કેળાં સહિતના પાકની ઉપજ ભરીને આવતા ટ્રેક્ટરો અને ટ્રકોને આ ખોદકામને કારણે અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે. ખેતપેદાશોનું પરિવહન કરતા વાહનો માટે આ માર્ગ અત્યંત મહત્ત્વનો હોવાથી અધૂરી કામગીરીને કારણે ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here