સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર, ભરૂચ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ-2026માં નેત્રંગ તાલુકાના થવા ગામે આવેલી પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા અને વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.
ખેલ મહાકુંભ-2026ની રમતગમત સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થી વસાવા વિવેકકુમાર વીરજીભાઈએ 50 મીટર દોડ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધામાં તૃતીય ક્રમાંક મેળવી પોતાની રમતગમત પ્રતિભાનો પરિચય આપ્યો હતો.

વિદ્યાર્થી વિવેકકુમાર વીરજીભાઈએ 50 મીટર દોડ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાજ્યકક્ષાએ ભાગ લેવાની તક પ્રાપ્ત કરી છે. તેની આ સિદ્ધિથી શાળાના શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
વિદ્યાર્થીની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. શાળાના ગૌરવમાં વધારો કરનાર વિવેકકુમારને રાજ્યકક્ષાની સ્પર્ધામાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સફળતા પ્રાપ્ત કરે તેવી શાળાનાં આચાર્ય માધવસિંહ વસાવા અને શાળા પરિવાર ધ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.





