ભરૂચ આરટીઓ કચેરી દ્વારા માર્ગ સલામતી અભિયાન અંતર્ગત નવરાત્રીના પાવન પર્વ દરમિયાન વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર જનજાગૃતિ ફેલાવવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
નવરાત્રિના માહોલમાં લોકો સુધી સીધો સંવાદ સાધી શકાય તે માટે રોડ સેફ્ટી નવરાત્રી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આ અભિયાન અંતર્ગત આરટીઓના અધિકારીઓ અને કર્મચારીઓ શહેર તથા જિલ્લાના વિવિધ ગરબા પંડાલો, પાર્ટી પ્લોટ્સ અને સોસાયટીઓમાં રૂબરૂ પહોંચી રહ્યા છે.અને ગરબા રમવા આવતા ખેલૈયાઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ભરૂચના એઆરટીઓ પી.આર. પઢિયારે આ અંગે જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોના જીવ ન જાય અને પરિવારો સુરક્ષિત રહે તે હેતુથી આ નવતર પહેલ શરૂ કરવામાં આવી છે.

તહેવારોની ઉજવણીની સાથે નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તે માટે બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલોને ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે.ગરબા મેદાનોમાં ઉપસ્થિત નાગરિકોને હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા, ઓવર સ્પીડિંગ ટાળવા તેમજ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સામૂહિક પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી રહી છે. તાજેતરમાં આર.કે. કાઉન્ટી સહિત વિવિધ ગરબા આયોજનોમાં ટીમની આ પ્રશંસનીય હાજરીને ખેલૈયાઓ અને સ્થાનિક રહીશો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.





