નેત્રંગ સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને શાળા વિકાસમાં લોકભાગીદારીને પ્રોત્સાહન આપવા SRF ફાઉન્ડેશન દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે. SRF ફાઉન્ડેશનના નેત્રંગ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રંગ તાલુકાની ૧૦ સરકારી પ્રાથમિક શાળાઓના આચાર્યો, શિક્ષકો, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC)ના સભ્યો અને વાલીઓ માટે કામરેજ તાલુકાના વાવ ગામે આવેલી પીએમ શ્રી સરકારી પ્રાથમિક શાળા ખાતે એક દિવસીય પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં કુલ ૬૦ સભ્યોએ ભાગ લીધો હતો.

પ્રેરણા પ્રવાસ દરમિયાન પીએમ શ્રી વાવ શાળાનાં મુખ્ય આચાર્ય શ્રીમતી પ્રજ્ઞાબેન પટેલે વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૬ સુધીની શાળાની વિકાસયાત્રા અને સફળતાની વિગતો રજૂ કરી હતી. તેમણે શાળાના સર્વાંગી વિકાસમાં ગ્રામજનોની ભાગીદારી, લોકફાળા અને દાન મેળવવાની વ્યૂહરચનાઓ તેમજ શાળાના સ્ટાફના સહયોગથી હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

મુલાકાત દરમિયાન નેત્રંગની શાળાઓ માંથી આવેલા પ્રતિનિધિઓએ વાવ શાળાના વિજ્ઞાન, ગણિત, ભાષા, અંગ્રેજી, બાલવાટિકા અને પ્રજ્ઞા વર્ગખંડોની મુલાકાત લીધી હતી. વર્ગખંડોની દિવાલો પર શૈક્ષણિક સામગ્રી (TLM)ના ઉપયોગથી તૈયાર કરવામાં આવેલા ‘બોલતા વર્ગખંડો’નું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી શિક્ષણને રસપ્રદ અને અસરકારક બનાવવાની પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી હતી.

આ ઉપરાંત ગામના સરપંચ અને તલાટીના માર્ગદર્શન હેઠળ સંવાદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિકાસ માટે NRI ફંડિંગ, સ્વચ્છતા અભિયાન અને મધ્યાહ્ન ભોજન યોજનાના ઓડિટ જેવી સફળ પદ્ધતિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સત્ર દ્વારા શાળા વિકાસમાં ગ્રામ પંચાયત, વાલીઓ, SMC સભ્યો અને ગ્રામજનોની ભૂમિકા અંગે પણ માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે નેત્રંગ પ્રોજેક્ટની ટીમ દ્વારા યજમાન શાળાના સ્ટાફને સ્મૃતિચિહ્ન અર્પણ કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પ્રેરણા પ્રવાસથી પ્રોત્સાહિત થઈને તમામ સહભાગીઓએ પોતાના ગામની સરકારી શાળાઓના વિકાસ માટે ‘સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન’ તૈયાર કરવા, શૈક્ષણિક સુવિધાઓમાં સુધારો લાવવા અને શાળાના વિકાસમાં વાલીઓ તથા ગ્રામજનોની સક્રિય ભાગીદારી વધારવાનો સંકલ્પ કર્યો હતો.આમ, SRF ફાઉન્ડેશનના આ પ્રયાસથી સરકારી શાળાઓના વિકાસમાં લોકભાગીદારીને નવી દિશા મળવાની સાથે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે પ્રેરણાદાયી પહેલને વેગ મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here