સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં તેલુગુ સમાજના એક પરિવારમાં મિલકતની વહેંચણી અને ત્રણ દુકાનોના ભાડાની આવકને લઈને ચાલતા વિવાદમાં મોટા દીકરાએ પોતાની માતા અને નાના ભાઈની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો આક્ષેપ છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ ધટનાની મળતી માહિતી મુજબ, લીંબાયતની સહજાનંદ સોસાયટીમાં રહેતાં મલેશ્વરીના પરિવારમાં ત્રણ દીકરા શ્રીનિવાસ, રમેશ અને રાજુ છે. મલેશ્વરી પોતાના ત્રીજા દીકરા રાજુ સાથે રહેતાં હતાં. મલેશ્વરીના નામે ત્રણ દુકાનો આવેલી છે, જેમાંથી દર મહિને આશરે ₹60 હજારનું ભાડું આવતું હતું. માતા નાના દીકરા રાજુ સાથે રહેતાં હોવાથી ભાડાની આવક પણ રાજુને આપતાં હતાં. આ બાબતે મોટા દીકરા શ્રીનિવાસને વાંધો હતો. તે મિલકતની ત્રણેય ભાઈઓ વચ્ચે સરખા ભાગે વહેંચણી થાય તેવી માગણી કરતો હતો. બીજી તરફ, મલેશ્વરીએ પોતે હયાત હોય ત્યાં સુધી મિલકતની કોઈ વહેંચણી નહીં કરવામાં આવે તેમ જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ મુદ્દે પરિવારમાં લાંબા સમયથી તકરાર ચાલતી હતી.
પ્રાથમિક વિગતો અનુસાર, આજે સવારે આશરે 7:30 વાગ્યે મોટો દીકરો શ્રીનિવાસ ઘરે આવ્યો હતો. તે દરમિયાન તેણે પોતાની માતા મલેશ્વરી અને નાના ભાઈ રાજુ પર ચપ્પુ વડે હુમલો કરી તેમની હત્યા કરી હોવાનો આક્ષેપ છે. ઘટનામાં બંનેનાં મોત થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.આ ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મિલકતની વહેંચણી અને ભાડાની આવક અંગેનો વિવાદ આ ઘટનાનું કારણ બન્યો હોવાની પ્રાથમિક માહિતી છે. જોકે, ઘટનાની ચોક્કસ હકીકત, આરોપીની ભૂમિકા અને અન્ય વિગતો અંગે પોલીસ તપાસ બાદ વધુ સ્પષ્ટતા થશે.





