નર્મદા જિલ્લામાં 15 ઓગસ્ટ, 2026ના રોજ યોજાયેલા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમ દરમિયાન થયેલા કામોને લઈને હવે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. સાગબારા તાલુકાના ઘનશેરા ગામના ખેડૂત સુપાભાઈ વસાવાએ પાર્કિંગ માટે પોતાનું ખેતર આપ્યું હતું. પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ખેતરમાં બનાવવામાં આવેલા પાર્કિંગનું મટીરિયલ ઉઠાવી અન્ય સ્થળે લઈ જવામાં આવી રહ્યું હોવાના ખેડૂતના આક્ષેપોએ સમગ્ર મામલાને શંકાના દાયરામાં લાવી દીધો છે.

મળતી માહિતી મુજબ, જિલ્લા કક્ષાના કાર્યક્રમ દરમિયાન પાર્કિંગની વ્યવસ્થા માટે ઘનશેરાના ખેડૂત સુપાભાઈ વસાવાનું ખેતર ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. આ કામ બાંધકામ વિભાગ દ્વારા કૌશિકભાઈ પટેલની એજન્સીને સોંપવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે.ખેડૂત સુપાભાઈ વસાવાનો આક્ષેપ છે કે કામ શરૂ કરતી વખતે તેમને જણાવવામાં આવ્યું હતું કે આ મટીરિયલ અહીં જ રહેશે અને તે મુજબ તેમણે કામ કરવા દીધું હતું. પરંતુ હવે ખેતર માંથી મટીરિયલ ઉઠાવી લેવામાં આવી રહ્યું છે અને સાગબારા તાલુકાના ખોચરપાડા ગામે એજન્સી દ્વારા ચાલી રહેલા રસ્તાના કામમાં લઈ જવામાં આવી રહ્યું હોવાનો ખેડૂતનો દાવો છે.જો ખેડૂતના આક્ષેપો સાચા સાબિત થાય, તો તપાસનો વિષય એ બને છે કે આ મટીરિયલ કયા હેતુ માટે ખરીદવામાં આવ્યું હતું, તેની માલિકી કોની છે અને તેને અન્ય કામમાં વાપરવા માટે કઈ સત્તાવાર મંજૂરી લેવામાં આવી હતી?

ખેડૂત દ્વારા એક ગાડીના રૂ. 20થી 25 હજાર સુધીની ગ્રાન્ટ ચૂકવવામાં આવી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે, આ રકમ કઈ ગ્રાન્ટ હેઠળ, કોને અને કયા દસ્તાવેજોના આધારે ચૂકવાઈ હતી તે અંગે સત્તાવાર દસ્તાવેજો જાહેર થયા નથી.જો કાર્યક્રમ માટે સરકારી નાણાં ફાળવવામાં આવ્યાં હતાં, તો મંજૂર થયેલી રકમ, ખર્ચની વિગતો, બિલ-વાઉચર, મટીરિયલની ખરીદી અને કામ પૂર્ણ થયાનો રેકોર્ડ જાહેર થવો જોઈએ. બીજી તરફ, જો કામ કોઈ એજન્સીએ મફતમાં કર્યું હોય, તો તેની લેખિત નોંધ અને કામ માટે વપરાયેલા મટીરિયલની માલિકી અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે.

આ મામલે મીડિયા દ્વારા એજન્સીના માલિક કૌશિકભાઈ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નિખિલ સાહેબ અને સતીશ સાહેબને પૂછીને કામ કરવામાં આવ્યું હતું અને પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું. ખેડૂત સાથે પોતાની ટેલિફોનિક કે રૂબરૂ કોઈ વાત થઈ ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.એજન્સીના માલિકના આ જવાબ બાદ સવાલ ઊભો થાય છે કે જો ખેડૂત સાથે કોઈ વાત થઈ નહોતી, તો ખેતરનો ઉપયોગ કરવા અને પાર્કિંગનું કામ કરવા અંગે સંમતિ કોણે મેળવી હતી? જમીનનો ઉપયોગ કઈ શરતો પર કરવામાં આવ્યો હતો? તેમજ મટીરિયલ અન્ય કામમાં લઈ જવા અંગે કોઈ લેખિત મંજૂરી હતી કે નહીં?

ત્યારબાદ મીડિયા દ્વારા એન્જિનિયર નિખિલ રોયનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ આ કામ માટે કોઈ ગ્રાન્ટ આવતી નથી. તેમના જણાવ્યા મુજબ, કૌશિકભાઈએ મફતમાં મટીરિયલ નાખી આપ્યું હતું અને મટીરિયલ તેમનું હોવાથી તેઓ તેને પાછું લઈ જાય છે.એન્જિનિયરે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂત તેમના ભાઈબંધના પિતા છે, ખેડૂત સાથે બેઠક પણ થઈ હતી અને કાર્યક્રમના દિવસે પ્રાંત અધિકારી મેડમ સાથે પણ તેઓ બેઠા હતા.પરંતુ અહીં જ સમગ્ર મામલામાં સૌથી મોટો વિરોધાભાસ સામે આવે છે. એક તરફ ખેડૂત ગ્રાન્ટ અને વળતર અંગે આક્ષેપ કરે છે, જ્યારે બીજી તરફ એન્જિનિયર કોઈ ગ્રાન્ટ ન આવી હોવાનું અને કામ મફતમાં થયું હોવાનું જણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here