ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થવાના આરે છે ત્યારે ઐતિહાસિક એવા ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગ્રામ પંચાયતમાં સરપંચ પદની ફાળવણીને લઈને અત્યંત ગંભીર અને અન્યાયી બાબત સામે આવી છે, જે તંત્રની નિષ્પક્ષતા સામે ગંભીર શંકા ઉપજાવે છે.

શુક્લતીર્થ ગ્રામ પંચાયતની સ્થાપના ઈ.સ. ૧૯૨૪ માં થઈ હતી. ૧૦૨ વર્ષના લાંબા ઇતિહાસમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારથી આજદિન સુધી ગ્રામ પંચાયતમાં મુકવામાં આવેલી સરપંચોની સત્તાવાર યાદી મુજબ માત્ર બે જ પ્રકારની ફાળવણી થઈ છે – બિન અનામત (GENERAL) અને અનુસૂચિત આદિજાતિ (ST) અનામત તથા વહીવટદાર શાસન.
આદિવાસી સમાજ પછી ગામમાં બીજા નંબરની સૌથી વધુ વસ્તી અને મતદારો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC / OBC – બક્ષીપંચ) સમાજના છે. છતાં ૧૦૨ વર્ષમાં OBC ને ૦ (શૂન્ય) વખત પ્રતિનિધિત્વની તક આપવામાં આવી નથી. સાથે સાથે અનુસૂચિત જાતિ (SC) ની બેઠક પણ આજદિન સુધી આવી નથી. તો માત્ર બિન અનામત અને ST ની જ ફાળવણી કેમ? તંત્ર સામે શંકાની સોય તકાય તે સ્વાભાવિક છે.
વધુમાં લોકચર્ચા એવી પણ છે કે ગત ટર્મમાં બિન અનામત સ્ત્રી બેઠક હતી અને ત્યારબાદ તરત જ હાલની ટર્મ પણ બિન અનામત સામાન્ય ફાળવી દેવામાં આવી. તો OBC નો વારો ક્યારે આવશે…? શું રોટેશન પદ્ધતિને અવગણીને લાંચ- રાજકીય વગના આધારે બિન અનામત બેઠકો તુરત ને તુરત આપી દેવાય છે..? આ ગંભીર સવાલ શુક્લતીર્થનો OBC સમાજ પૂછી રહ્યો છે.
૨૦૨૩ માં રાજ્ય સરકારે OBC અનામત ૨૭% કરવાનો ઐતિહાસિક સુધારો કર્યો છતાં પણ શુક્લતીર્થમાં તેનો અમલ શૂન્ય રહ્યો છે, જે રોટેશન પદ્ધતિની નિષ્ફળતા સાબિત કરે છે.જો આ વખતે પણ OBC સમાજની ન્યાયિક માંગ નહીં સ્વીકારાય તો લોકશાહી ઢબે ઉગ્ર આંદોલનની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશેની ચિમકી સ્થાનીકો આપી રહ્યા છે.





