ભરૂચના નવા શુક્લતીર્થ ગામમાં આંગણવાડીનું નવું મકાન તો તૈયાર થઈ ગયું છે, રંગરોગાન પણ થઈ ગયું છે, પરંતુ નાના ભૂલકાઓને તેમાં બેસવાનો લાભ ક્યારે મળશે? તેવો સવાલ ગ્રામજનોમાં ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે.

નવા શુક્લતીર્થ ગામમાં છેલ્લાં 6 થી 7 વર્ષથી જૂની આંગણવાડી જર્જરિત હાલતમાં હોવાથી બાળકોને પ્રાથમિક શાળાના ઓરડામાં અથવા અન્ય સ્થાને વ્યવસ્થા કરીને બેસાડવાની ફરજ પડતી હતી. હવે નવું મકાન બનીને તૈયાર હોવા છતાં આંગણવાડી બાળકો વિના સૂની પડી હોવાનું સામે આવ્યું છે.1968 અને 1970ના મહાપૂર બાદ પુનર્વસિત થયેલા નવા શુક્લતીર્થ ગામના લોકોના જણાવ્યા મુજબ,આ ગામના અનેક પ્રશ્નો લાંબા સમયથી વણઉકેલ્યા છે. ગ્રામજનોમાં એવી પણ ફરીયાદ છે કે ગામ પ્રત્યે તંત્ર અને જવાબદાર લોકોનું પૂરતું ધ્યાન નથી.
એક તરફ બાળકોને સુવિધાયુક્ત વાતાવરણમાં શિક્ષણ અને સંભાળ આપવાની સરકાર દ્વારા વાતો થાય છે, તો બીજી તરફ તૈયાર આંગણવાડીનો ઉપયોગ શરૂ કરવામાં વિલંબ શા માટેકરવામાં આવે છે. આ અંગે સંબંધિત વિભાગ અને જવાબદાર અધિકારીઓ આંગણવાડીની મુલાકાત લઈ, વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરી અને વહેલી તકે બાળકો માટે આંગણવાડી શરૂ કરાવે તેવી ગ્રામજનોમાં માંગઉઠવા પામી છે.





