મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા( સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ,) દ્વારા નેત્રંગ તાલુકાની મુલાકાત દરમિયાન ‘વહીવટ અને શાસન’ સુદ્રઢ બનાવવાના હેતુસર દ્વિતીય દિવસના કાર્યક્રમ અંતર્ગત વહીવટી તંત્ર સાથે વિવિધ બેઠકો અને સ્થળ મુલાકાતો યોજવામાં આવી હતી.

મંત્રીએ ઝઘડીયા વિધાનસભા વિસ્તારના નેત્રંગ તાલુકાના મોવી તેમજ કાંટીપાડા ખાતે વિકાસશીલ NH 56 ના રોડ પ્રોજેક્ટ્સના અટકેલા કામો બાબતે વિસ્તારના જનપ્રતિનિધિઓ, સંબંધિત અધિકારીઓ અને સ્થાનિક ખેડૂતો સાથે રૂબરૂ વાતચીત કરી હતી. ખેડૂતોની પ્રાથમિક પૃચ્છા કરી સ્થળ પર સમીક્ષા કરવા સાથે સંકલન અધિકારીઓને જરૂરી રચનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ત્યારબાદ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે કલેક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પોલીસ અધિક્ષક તથા સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રીએ સમીક્ષા બેઠક યોજીને વિધાનસભા વિસ્તારની વહીવટી સ્થિતિનું વિસ્તૃત બ્રીફિંગ મેળવ્યું હતું.

આ બેઠકમાં ઝઘડીયા વિધાનસભા વિસ્તારમાં ચાલતા પડતર/વિલંબિત પ્રોજેક્ટ્સ, વીજળી, રસ્તા, પીવાના પાણી, સફાઈ, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત પુરવઠા વિભાગ, સિંચાઈ, આરોગ્ય કેન્દ્ર અને શાળાઓ સંબંધિત અટકેલા કામો વહેલી તકે પૂર્ણ કરવા મંત્રીએ જરૂરી સૂચનાઓ આપી હતી.

મંત્રીએ, વિધાનસભા વિસ્તારમાં વિકાસશીલ પ્રોજેક્ટ્સ તથા ભવિષ્યના વિકાસ કામો હેઠળ જમીન સંપાદનની સ્થિતિ અંગે ચર્ચા કરી, જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનાવવાની દિશામાં કામગીરી કરવા અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આપ્યા હતા.

તે ઉપરાંત, કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનું નીચલા સ્તર સુધી અસરકારક અમલીકરણ થાય તે માટે પી.એમ. આવાસ યોજના, જલ જીવન મિશન, આયુષ્માન ભારત, જમીન રેકોર્ડ, પ્રમાણપત્રો અને વિવિધ સબસીડી ચુકવણીના કિસ્સાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
સાથે જ DILR કચેરીની બાકી કામગીરીનો અંત આણવા માટે મંત્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કાયદો અને વ્યવસ્થા સંદર્ભે પોલીસ તંત્ર સાથે ગુનાના વલણો અને સંવેદનશીલ વિસ્તારોની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ DGVCL વિભાગને તાકીદ કરતા મંત્રીએ ખાસ સૂચના આપી હતી કે વિસ્તારના ખેડૂતોને સમયસર અને અવિરતપણે ૮ કલાક વીજળી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.

આ તકે, રાજ્યના નાગરિકોની સમસ્યાઓ, ફરિયાદો અને મહેસૂલી કે વિકાસલક્ષી પ્રશ્નોનો ઝડપી, સરળ અને પારદર્શક રીતે નિકાલ આવે તે માટે મંત્રીએ જિલ્લાના કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીઓની ઉપસ્થિતમાં જ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે જ જન સુનાવણી કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

આ તકે, મંત્રીએ ઝઘડીયાવિધાનસભા વિસ્તારના અરજદારોના પ્રશ્નો અને રજૂઆતો રૂબરૂ સાંભળીને શક્ય હોય ત્યાં સ્થળ પર જ તાત્કાલિક નિવારણ લાવવાની સરાહનીય કામગીરી હાથ ધરી હતી. અને લાયઝન ડિપાર્ટમેન્ટને જરૂરી દિશા-નિર્દેશો અને કાર્યવાહી સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી.

આ બેઠક અને જન સુનાવણી દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ ડિમ્પલબેન રાજ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રીતેશ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ, કલેક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિત તમામ લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here