ભરૂચના આમોદ તાલુકાના મછાસરા ગામે ગટરમાં ખાબકવાથી બે વર્ષીય માસૂમ બાળકના મોતની કરુણ ઘટના સામે આવી હતી. ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.મૃતક માસૂમ વિહાન શૈલેષ રાઠોડના ઘરે જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ પરિવારને સરકાર તરફથી મળવાપાત્ર સહાય અપાવવાની ખાતરી આપી હતી.

ગામમાં ગટરના ઢાંકણાં સ્થાનિકો દ્વારા કપડાં ધોવા માટે હટાવી દેવામાં આવતા હોવાની વાત સામે આવી છે. માસૂમ ગટરમાં ખાબકવાની ઘટના બાદ હવે ગ્રામ પંચાયત દ્વારા ગટર પર ઢાંકણું બેસાડવામાં આવ્યું છે.
બે વર્ષના માસૂમના મોત બાદ તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. જોકે, આવી દુર્ઘટના ફરી ન બને તે માટે ખુલ્લી ગટર અને ઢાંકણાંની વ્યવસ્થા અંગે કાયમી તકેદારી જરૂરી બની છે.

